યાત્રાધામ અંબાજી મંદિરનાં દ્વાર હજી 31મી જાન્યુઆરી સુધી બંધ રહેશે

કોરોનાના કારણે દર્શાનાર્થીઓને મંદિર પરિસરમાં નહીં આવવા અને જીવંત પ્રસારણનો લાભ લેવા દેવસ્થાન ટ્રસ્ટની અપીલ
ગાંધીનગર : કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે મંદિરને 31મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિર પરિસરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્યના પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે.
સરકારના ગૃહ વિભાગની ગાઇલાઇન પ્રમાણે અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમાના માર્ગો તેમજ ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો હવે 31મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. આ મંદિરોમાં તમામ પ્રકારના ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાહેર સમારંભો બંધ રાખવામાં આવ્યા છે.
આ અગાઉ દેવસ્થાન ટ્રસ્ટે અંબાજી મંદિરને 22મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેમાં 17મીએ પોષી પુનમ એટલે કે અંબાજી માતાના પ્રાગટય દિવસના તમામ ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા હતા.
આ નિર્ણયના કારણે 23મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરીના દિવસોમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. દેવસ્થાન ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે આ સમયગાળા દરમ્યાન તેઓ દર્શને આવે નહીં અને આરતીનો લાભ જીવંત પ્રસારણ દ્વારા મેળવે.




