ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના 24 ગ્રામ પંચાયતોની હાઈકોર્ટમાં રિટ

- સરકારે અગાઉ જાહેર કરેલા કાપડીવાવ (ચીખલોડ)ને જ વડું મથક રાખવા માંગણી
- કાપડીવાવ (ચીખલોડ)ને ફાગવેલનું વડું મથક જાહેર કર્યા બાદ વિરોધ થતા ફાગવેલને વડું મથક બનાવવાની જાહેરાતથી વિવાદ
ખેડા જિલ્લામાં નવા જાહેર કરાયેલા ફાગવેલ તાલુકો હવે કાયદાકીય વિવાદમાં ફસાયો છે. રાજ્ય સરકારે અગાઉ પ્રસિદ્ધ કરેલા ગેઝેટ મુજબ કાપડીવાવ (ચીખલોડ)ને ફાગવેલ તાલુકાનું વડું મથક જાહેર કર્યું હતું. પરંતુ બાદમાં ફાગવેલ ગામ તથા આજુબાજુના વિસ્તારોના લોકોએ વિરોધ આંદોલન કર્યા બાદ, સરકારે ફાગવેલને જ વડું મથક જાહેર કર્યાનું જણાવાયું હતું.
આ નિર્ણયનો વિરોધ કરતાં કપડવંજ તાલુકાના ૨૪ ગ્રામ પંચાયતોએ ગામોમાં ગ્રામસભાઓ બોલાવી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો કે, સરકાર પહેલાં જાહેર કરેલા ગેઝેટ મુજબ કાપડીવાવ (ચીખલોડ)ને જ વડું મથક રાખવામાં આવે, અથવા તો તમામ ૨૪ ગામોને કપડવંજ તાલુકામાં જ યથાવ રાખવામાં આવે. ઉપરાંત દરેક ગામની ગ્રામસભાએ કાયદાકીય લડત આપવા તેમજ જરૂરી ખર્ચ કરવા માટેની સત્તા પોતાના સરપંચોને સર્વાનુમતે આપી હતી.
આ ઠરાવોના આધારે તમામ ૨૪ ગ્રામ પંચાયતોના સરપંચોએ મળીને ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી છે. અરજીમાં દલીલ કરાઈ છે કે, સરકારે નવું ગેઝેટ જાહેર કર્યા વગર વડું મથક બદલી નાખ્યું, જે કાયદાકીય રીતે ભૂલપૂર્ણ અને પ્રશાસકીય પારદર્શક્તાને હાનિકારક છે.
ફાગવેલ ૨૪ ગામોથી દૂર, કનેક્ટિવિટી પણ સુગમ ના હોવાથી વિરોધ : સરપંચો
નવા ફાગવેલ તાલુકામાં શરૂઆતમાં કપડવંજ તાલુકાના ૨૮ અને કઠલાલ તાલુકાના ૯ ગામોનો સમાવેશ કરાયો હતો. પરંતુ બાદમાં વડું મથક ફાગવેલ રાખતાં વિસ્તારની પુનઃ વ્યવસ્થા કરી કપડવંજના ૨૪ અને કઠલાલના ૧૦ ગામોનો સમાવેશ કરાયો હતો. કપડવંજના ૨૪ ગામના સરપંચો સહિત ગ્રાજનોનું કહેવું છે કે, ફાગવેલ અમારા ગામથી ઘણું દૂર છે, માર્ગ કનેક્ટિવિટી સુગન નથી, જ્યારે કાપડીવાવ (ચીખલોડ) મધ્યમાં હોવાથી દરેક ગામના લોકો માટે સરળ છે.








