Get The App

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા 'રેડિયો મેન', 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ્યુઝિયમ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા 'રેડિયો મેન', 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ્યુઝિયમ 1 - image

World Radio Day: આજે 13મી ફેબ્રુઆરી એટલે 'વિશ્વ રેડિયો દિવસ'. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ અમરેલી જિલ્લાના ચલાળા ગામના 80 વર્ષીય નિવૃત્ત શિક્ષકે રેડિયો પ્રત્યેનો પોતાનો પ્રેમ જીવંત રાખ્યો છે. સુલેમાન દલ નામના આ 'રેડિયો મેન' પાસે વાલ્વવાળા પૌરાણિક રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધીના 400 જેટલા રેડિયોનો અદ્ભુત સંગ્રહ છે.

ઘર નહીં પણ 'રેડિયો મ્યુઝિયમ'

સુલેમાનભાઈના ઘરમાં પ્રવેશતા જ જાણે સમય પાછળ ચાલ્યો ગયો હોય તેવો અહેસાસ થાય છે. ઘરના દરેક ખૂણે માત્ર રેડિયો જ નજરે પડે છે. તેમના સંગ્રહમાં 172 વાલ્વવાળા રેડિયો અને 222 ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળી કુલ 400 રેડિયોનો સંગ્રહ છે. આ મ્યુઝિયમની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તમામ 400 રેડિયો આજે પણ ચાલુ હાલતમાં છે. તે માત્ર સંગ્રહ નથી કરતા, પરંતુ મુંબઈની ચોર બજાર કે અલંગમાંથી મળેલા ભંગાર હાલતના રેડિયોને જાતે રિપેર કરી તેને ફરી ધબકતા કરે છે.

શોખથી સાધના સુધીની સફર

વર્ષ 1964માં અમરેલી ખાતે સુલેમાન દલ ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ ઇલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરુઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ 2000થી કરી હતી. આજે તેમની પાસે દેશ-વિદેશની વિવિધ કંપનીઓના અને વિવિધ આકારના દુર્લભ રેડિયો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ભવનાથના પવિત્ર મૃગીકુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન

રેડિયો દિવસનો ઇતિહાસ અને ભારતનો પ્રવાસ

13મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે ત્યાં સુધી કે મોબાઇલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે 'વિશ્વ રેડિયો દિવસ'ની તારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા 13મી ફેબ્રુઆરી 2012ના રોજ પહેલી વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો.

રેડિયોના ઇતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઑફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરુ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર 1935માં એમ. બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી આઠમી જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. 

1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ 'આકાશવાણી' રાખવામાં આવ્યું

દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ 'આકાશવાણી' રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ 1939માં રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. વર્ષ 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સુલેમાન દલનો રેડિયો પ્રેમ થકી આજે તે રેડિયો મેનનું બિરુદ મળ્યું છે.