Gujarat

500 ગણતરીદારોની અછત વચ્ચે કામગીરી શરૂ, બહાનાબાજીથી તંત્રની મુશ્કેલીમાં વધારો

By GS TEAM
2 Jun 20263 mins read
TukuTouch Logo
બિનગુજરાતી કર્મચારીઓનો લેંગ્વેજ પ્રોબ્લેમનો રાગ, તંત્રનો જવાબ–ગ્રાહકો સાથે કરો છો તેમ કરો વિસ્તાર અમારાથી અજાણ છે, સાસુ-સસરા વૃદ્ધ અને અશક્ત છે એમને માનસિક સમસ્યા છે : પ્રેગનન્સીની અરજી વધુ આવતા તબીબી સર્ટી માગવાનું શરૂ કરવું પડ્યું : કેટલાક કેસમાં ક્રોસ વેરિફિકેશન કરવું પડે તેવી હાલત

Summarized by AI; it may make mistakes. Check important info

500 ગણતરીદારોની અછત વચ્ચે કામગીરી શરૂ, બહાનાબાજીથી તંત્રની મુશ્કેલીમાં વધારો

Surat : દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્ત્વની કામગીરી ગઈ કાલ 1 જુનથી શરૂ થઈ છે ત્યારે કેટલાક કર્મચારીઓની બહાનાબાજી સામે આવી રહી છે. શહેરમાં 500 જેટલા ગણતરી દારોની અછત વચ્ચે તંત્ર એક તરફ કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી રહ્યું છે, તો બીજી તરફ ફરજમાંથી છૂટકારો મેળવવા માટે રોજ નવા કારણો રજૂ થઈ રહ્યા છે. લેંગ્વેજ પ્રોબ્લેમ, વિસ્તાર અજાણ્યો હોવો, વૃદ્ધ માતા-પિતાની સંભાળ, માનસિક તકલીફ અને હવે પ્રેગ્નન્સી જેવા કારણોને અરજીઓનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક કિસ્સાઓમાં તો રજૂ કરાયેલા મેડિકલ કારણોની સત્યતા જાણવા ક્રોસ વેરિફિકેશન કરવાની ફરજ પડી રહી છે, દેશની પહેલી ડીજીટલ વસ્તી ગણતરીની કામગીરી પૂરી કરવા કરતા કામગીરી સોંપી છે તેવા કર્મચારીઓની બહાનાબાજી અને ફરિયાદનો નિકાલ કરવામાં તંત્રને પરસેવો પડી રહ્યો છે. આ કામગીરી માટે ઓર્ડર નિકળ્યા છે તેવા સંખ્યાબંધ કર્મચારીઓ કામગીરી ન કરવી પડે તે માટે રોજ નીતનવા બહાના લઈ તંત્ર પાસે દોડી રહ્યાં છે. કેટલાક બહાના સાંભળીને અધિકારીઓ પણ ચોંકી જાય છે અને આવા બહાનાને ફગાવી કામગીરી તો કરવી જ પડશે તેવું સ્પષ્ટ કહી રહ્યાં છે. 

ગણતરીની કામગીરી સોંપી છે તેવા કર્મચારીઓ રોજ અવનવા બહાના કાઢી રહ્યાં છે તેના કારણે અધિકારીઓની હાલત કફોડી થઈ રહી છે. સૌથી વધુ બહાના બેંકમાં કામ કરતા બિન ગુજરાતી કર્મચારીઓના હોવાનું બહાર આવ્યું છે. પહેલા તો કામગીરી ન કરવા લેંગવેજ પ્રોબલેમ હોવાનું કહે છે. જોકે, અધિકારીઓ ગુજરાતી સાથે હિન્દી, અંગ્રેજી તથા અન્ય રાજ્યની ભાષામાં એપ્લીકેશન છે તેથી જે ભાષા તમને યોગ્ય લાગે તેમાં કામ કરવા કહે છે. સામે બીજું બહાનું એવું આવે છે કે અમે અંગ્રેજી કે અન્ય રાજ્યની ભાષામાં એપ્લિકેશન શરૂ કરીએ તો લોકોને કઈ રીતે સમજ પડે ? આ પ્રશ્નના જવાબમાં અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે બેંકમાં ગ્રાહકો સાથે જે ભાષામાં વાતચીત કરો છો, એ જ ભાષામાં નાગરિકો સાથે વાત કરીને કામગીરી પૂર્ણ કરવી પડશે.

 આ ઉપરાંત સાસુ-સસરા કે માતા પિતા વૃદ્ધ છે તેમને માનસિક બિમારી છે અને અશક્ત છે તેવા બહાનાઓ પણ સૌથી વધુ આવે છે ત્યારે અધિકારીઓ કહે છે જ્યારે તમે હાલ નોકરી કરો છો ત્યારે આ સમસ્યા નથી આવતી ? કામ તો કરવું જ પડશે તેમ કહી આવા બહાના પણ ચલાવવામાં આવતા નથી. 

બીજી તરફ પાલિકાએ દિવ્યાંગ અને પ્રેગનન્સીના કિસ્સામાં કામગીરીમાંથી મુક્તિ આપી છે તો હવે પ્રેગ્નન્સી હોવાની અરજી સૌથી વધુ આવતા તંત્ર પણ ચોંકી ગયું છે. તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે, પ્રેગનન્સી હોય તો મુક્તિ ફરજિયાત આપવાની છે. પરંતુ અનેક અરજી આવતા હવે તંત્રએ  પ્રેગનન્સી માટે સર્ટીફીકેટ માંગવાનું શરૂ કર્યું છે અને કેટલાક કિસ્સામાં તો શંકા જાય તો ક્રોસ વેરિફિકેશન કરવા માટેની સુચના પણ આપી છે.

 રાષ્ટ્રીય મહત્ત્વની કામગીરીને સહયોગ આપવાને બદલે ફરજ ટાળવા માટે અપનાવવામાં આવી રહેલા વિવિધ રસ્તાના કારણે અધિકારીઓનો મોટો સમય અરજી, રજૂઆતો અને ફરિયાદના નિકાલમાં જ વેડફાઈ રહ્યો છે. પહેલેથી જ 500 જેટલા ગણતરી દારોની અછત વચ્ચે આવી સ્થિતિ કામગીરીની ગતિ પર અસર કરે તેવી ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.