Gujarat

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ

By GS TEAM
24 Feb 20261 min read
મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ

ઉનાળો આવ્યો ને સુરેન્દ્રનગરમાં પાણીની મોકાણ શરૃ

મહિલાઓનું પોતાના રહેણાંક વિસ્તારમાં ખાલી ડોલ લઇ મહાનગરપાલિકા હાય-હાયના સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર ૦૧માં ફિરદોષ સોસાયટી વિસ્તારમાં આવેલા સરકારી આવાસ (ચાર માળિયા)માં રહેતા પરિવારોને તંત્ર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં નહી આવતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ વિસ્તારના લોકો સહિત સરકારી આવાસમાં રહેતા રહીશોએ અનેક વખત મનપા તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા સ્થાનિક રહીશો અને મહિલાઓએ ખાલી ડોલ સહિતના ખાલી વાસણો સાથે મહાનગરપાલિકા હાય હાયના ઉગ્ર સુત્રોચ્ચાર સાથે પોતાના રહેણાંક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ત્યારબાદ મનપા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનરને પણ રજુઆત કરી હતી. સરકારી આવાસમાં રહેતા પરિવારોને ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. જ્યારે મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા રહીશોની રજુઆતને પગલે પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી.