Gujarat

જામનગરમાં રોમિયોગીરીની પરાકાષ્ઠા : પરણિતાનો પીછો કરી છેડતી કરનાર શખ્સના ત્રાસથી કંટાળી મહિલાએ વિષપાન કર્યું, સારવાર હેઠળ

By GS TEAM
9 Apr 20262 mins read
TukuTouch Logo
‘શહેનશાહ’ બનવા નીકળેલા લુખ્ખા તત્વનો કહેર : જામનગરની મહારાજા સોસાયટીમાં મહિલાની છેડતી અને પતિ પર હુમલો કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રોમિયોગીરીની પરાકાષ્ઠા : પરણિતાનો પીછો કરી છેડતી કરનાર શખ્સના ત્રાસથી કંટાળી મહિલાએ વિષપાન કર્યું, સારવાર હેઠળ

Jamnagar Crime : જામનગરના શાંત ગણાતા વિસ્તારોમાં હવે અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે સામાન્ય નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બન્યું છે. શહેરના કાલાવાડ નાકા બહાર આવેલી મહારાજા સોસાયટીમાં એક ઘૃણાસ્પદ અને આક્રોશ જન્માવતી ઘટના સામે આવી છે. છેલ્લા એક મહિનાથી સતત છેડતીનો શિકાર બની રહેલી 31 વર્ષીય પરિણીતાએ આખરે લુખ્ખા તત્વના ત્રાસ અને પરિવાર પર થયેલા હુમલાથી કંટાળી જઈને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્થાનિક વિસ્તારની ત્રણ સંતાનોની માતા એવી એક પરણિતાને તેની જ સોસાયટીમાં રહેતો શબીર પઠાણ નામનો શખ્સ છેલ્લા એક મહિનાથી સતત પરેશાન કરી રહ્યો હતો. આરોપી મહિલાનો પીછો કરતો, તેની પાછળ જઈ બિભત્સ ઇશારાઓ કરતો અને અવારનવાર હાથ પકડી અડપલાં કરતો હતો. ભોગ બનનાર મહિલાએ સંયમ જાળવ્યો હોવા છતાં આરોપીની હિંમત વધતી ગઈ હતી અને તેની છેડતીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જતી હતી. ઘટનાએ ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મહિલાના પતિએ પોતાની પત્નીની સુરક્ષા કાજે આરોપીને ઠપકો આપ્યો. આરોપી શબીર પઠાણ અવારનવાર ફરિયાદીના ઘરની સામે મોટરસાયકલ પાર્ક કરતો હતો. જ્યારે પતિએ તેને ત્યાં વાહન રાખવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ મર્યાદા ઓળંગી દીધી હતી. આરોપીએ મહિલાના પતિને જાહેરમાં ગાળો આપી, ઝાપટો મારી અને ઢીકાપાટ્ટુનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે પરિવાર ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યો હતો.

તાજેતરમાં 07 એપ્રિલના રોજ રાત્રિના સમયે જ્યારે ફરિયાદી મહિલા ઘરની બહાર દુકાને વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે પણ આરોપીએ તેની પાછળ જઈ ખરાબ ઇશારા કરી તેનો હાથ પકડ્યો હતો. આ સતત થઈ રહેલી માનસિક અને શારીરિક સતામણીથી કંટાળીને અને પોતાના પતિ પર થયેલા હુમલાથી વ્યથિત થઈને, યુવતીએ બીજા દિવસે સવારે પોતાના ઘરે ફીનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલા જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.