Gujarat

ગિરનાર લીલી પરિક્રમા: 50 લાખના ખર્ચે જંગલને મેળાના મેદાનમાં ફેરવી દેવાયું, આસ્થાના નામે પિકનિક અને કોમર્શિયલ ઈવેન્ટ જેવો અતિરેક

By GS Team
18 Nov 20263 mins read
TukuTouch Logo
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં આધુનિક સુવિધાઓના નામે જંગલને નુકસાન થઈ રહ્યું છે. 2024માં 600 લાઇટો અને 10 જનરેટર હતા, જે 2026માં 1600 લાઇટો અને 25થી વધુ જનરેટર થયા. 50 લાખથી વધુનો ખર્ચ થયો છે. આનાથી સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓના કુદરતી આવાસ અને શાંતિને ગંભીર અસર થઈ રહી છે, જે ભવિષ્યમાં માનવ-વન્યજીવ સંઘર્ષ વધારી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિરનાર લીલી પરિક્રમા: 50 લાખના ખર્ચે જંગલને મેળાના મેદાનમાં ફેરવી દેવાયું, આસ્થાના નામે પિકનિક અને કોમર્શિયલ ઈવેન્ટ જેવો અતિરેક

Junagadh Lili Parikrama 2026 : ગિરનારની લીલી પરિક્રમા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, તે પ્રકૃતિના ખોળે અંતરઆત્માની ખોજ કરવાનો અવસર છે. પરંતુ દર વર્ષે આધુનિકતા અને ભૌતિક સુવિધાઓના નામે ગિરનારના ગાઢ જંગલનું પ્રાકૃતિક સ્વરૂપ છીનવાઈ રહ્યું છે. યાત્રિકોની સુવિધા જરૂરી છે પરંતુ જેમના ઘરમાં આપણે મહેમાન બનીને જઈ રહ્યા છીએ તેવા સિંહ, દીપડા અને અન્ય અબોલ વન્ય પ્રાણીઓની શાંતિ હણાય તે ક્યાં સુધી વ્યાજબી છે?

પરિક્રમા રૂટ પર કરવામાં આવેલા ઝાકમઝોળના આંકડા

ગિરનાર વન્યજીવ અભયારણ્ય સિંહોનું મહત્વનું સેટેલાઈટ વસવાટ છે. અહીં સિંહો સહિત દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓનો કુદરતી આવાસ છે. 36 કિલોમીટર લાંબી પરિક્રમા માર્ગ આ જંગલમાંથી પસાર થાય છે. વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર કરવામાં આવેલા ઝાકમઝોળના આંકડા ચોંકાવનારા છે. વર્ષ 2024માં જંગલના રૂટ પર 600 લાઈટો અને અંદાજે 10 જનરેટર મૂકવામાં આવ્યા હતા, જેની પાછળ 15 લાખનો ખર્ચ થયો હતો. વર્તમાન સ્થિતિમાં આ આંકડો સીધો અઢી ગણો વધીને 1600 લાઈટો અને 25થી વધુ જનરેટર પર પહોંચ્યો છે. ખર્ચ 50 લાખને પાર જશે. જંગલના અત્યંત સંવેદનશીલ અને મધ્ય ભાગ ગણાતા માળવેલાની ઘોડી અને નળપાણીની ઘોડી જેવા વિસ્તારોમાં પણ દિવસ જેવો ઝળહળાટ કરી દેવામાં આવ્યો છે.

જંગલની નિરવ શાંતિ અને પર્યાવરણને મોટું નુકસાન

વન્યજીવ નિષ્ણાતો અને પર્યાવરણ પ્રેમીઓના મતે, જંગલમાં કૃત્રિમ પ્રકાશ અને જનરેટરનો સતત ઘોંઘાટ વન્ય પ્રાણીઓની જૈવિક ઘડિયાળ અને શિકાર કરવાની કુદરતી પ્રવૃત્તિમાં ગંભીર ખલેલ પહોંચાડે છે. રાત્રિના અંધકારમાં વિચરતા સિંહ, દીપડા અને અન્ય નિશાચર પ્રાણીઓ આ હેવી ફ્લડ લાઈટોથી ભયભીત થઈ પોતાનો મૂળ વિસ્તાર છોડવા મજબૂર બને છે. પરિણામે ભવિષ્યમાં માનવ-વન્યજીવ ઘર્ષણ વધવાની પૂરી શક્યતા છે. 25થી વધુ જનરેટરોના સતત અવાજ અને ધુમાડાથી જંગલની નીરવ શાંતિ અને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે.

એક સમયે યાત્રિકો હાથમાં ટોર્ચ કે ફાનસ લઈને પરિક્રમામાં જતા હતા

એક સમય હતો જ્યારે ભક્તો હાથમાં ટોર્ચ કે ફાનસ લઈને કુદરતનાં સાંનિધ્યમાં પરિક્રમા કરતા હતા. આજે 50 લાખના ખર્ચે જંગલને મેળાના મેદાનમાં ફેરવી દેવામાં આવ્યું છે. સૌથી મોટો અને અણિયાળો સવાલ વન વિભાગની ભૂમિકા સામે ઊભો થાય છે. વન્યજીવોના સંરક્ષણની જેમના શિરે જવાબદારી છે તે વનતંત્રએ જંગલની અંદર આટલી મોટી માત્રામાં લાઈટો અને જનરેટર ગોઠવવાની મંજૂરી કેવી રીતે આપી ? ભૌતિક સુવિધાઓના નામે થઈ રહેલા આ અતિરેક સામે વન વિભાગે હરફ સુધ્ધાં કેમ ન ઉચ્ચાર્યો ? રક્ષક જ મૂકપ્રેક્ષક કેમ બની ગયો ?

…તો આવનારાં વર્ષોમાં પરિક્રમા આત્મા ગુમાવી બેસશે

વન્ય પ્રાણી પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં આ મુદ્દે ભારે નારાજગી છે. તંત્ર પાસે સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પરિક્રમાને પિકનિક કે કોમર્શિયલ ઈવેન્ટ બનાવવાનું બંધ કરવામાં આવે, જંગલના કોર વિસ્તારમાં પ્રકાશ અને અવાજનું પ્રદૂષણ તાત્કાલિક અસરથી નિયંત્રિત કરવામાં આવે, જેથી ગિરનારના સાચા માલિક એવા વન્યજીવો નિર્ભયપણે પોતાના ઘરમાં રહી શકે. આસ્થા અને પ્રકૃતિનું સંરક્ષણ સાથે જ જીવી શકે છે. જો વન વિભાગ અને વહીવટી તંત્ર આ અતિરેકને રોકવામાં નિષ્ફળ જાય તો આવનારા વર્ષોમાં ગિરનારની લીલી પરિક્રમા પોતાની આત્મા ગુમાવી બેસશે.