Get The App

કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

પતિએ જમવા બેઠેલી પત્નીને માથામાં મુક્કો મારતા પત્નીએ ઉશ્કેરાઇને હુમલો કર્યો

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
કુંભારવાડામાં પતિ  પર ત્રિકમના  ઘા ઝીંકી હત્યા કરતી પત્ની 1 - image

 વડોદરા,કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે આજે સવારે નજીવી બાબતે  તકરાર થતા ઉશ્કેરાયેલી  પત્નીએ ત્રિકમના ઉપરાછાપરી ઘા પતિ પર ઝીંકી દેતા લોહીલુહાણ  હાલતમાં જ પતિ ઢળી પડયો હતો. કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી પત્નીની ધરપકડ કરી ત્રિકમ કબજે લીધી છે.

 પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં રહેતા અમિત નાનજીભાઇ (ઉં.વ.૨૬) ના લગ્ન ૧૦ વર્ષ પહેલા મંજૂબેન (રહે. ઉકાજીનું વાડિયું, બાપોદ) સાથે થયા હતા. આજે સવારે મંજુ જમવા બેઠી હતી. તે દરમિયાન તેના પતિ અમિતે આવીને તેના માથામાં મુક્કો મારી દેતા પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી. ઘરની દીવાલ પાસે પડેલી ત્રિકમ ઉઠાવીને તેણે પતિ પર હુમલો કરી પેટ, છાતી તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. લોહીલુહાણ  હાલતમાં અમિત ઢળી પડતા તેની દીકરીએ કાકાને જઇને વાત કરતા અમિતનો ભાઇ દોડી આવ્યો હતો. પાડોશીએ એમ્બ્યુલન્સ બોલાવી  હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે તપાસીને અમિતનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે કુંભારવાડા પોલીસને જાણ કરવામાં આવતા  પી.આઇ. એ.જે.પાંડવ તથા સ્ટાફના નૂરમહંમદ સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી પત્ની મંજુની ધરપકડ કરી ત્રિકમ કબજે કરી છે. પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, પતિ - પત્ની દારૃ પીવાની ટેવવાળા હતા. તેઓ વચ્ચે અવાર - નવાર ઝઘડા પણ થતા હતા.