Gujarat

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી

By GS TEAM
31 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી

Unseasonal Rain Forecast Gujarat: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે.

વરસાદની આગાહી અને સિસ્ટમની અસર

હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમની અસરને પગલે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને થંડરસ્ટોર્મની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને 31 માર્ચ તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, 2 એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી માવઠાનો આ રાઉન્ડ હજુ લાંબો ચાલી શકે છે.

તાપમાનમાં ફેરફાર અને ગરમીથી રાહત

છેલ્લા 24 કલાકના તાપમાન પર નજર કરીએ તો, અમરેલી 38.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પણ પારો 38 ડિગ્રીની આસપાસ રહ્યો છે. જોકે, આગામી બે દિવસ બાદ વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જે ઉનાળાની આકરી ગરમી વચ્ચે નાગરિકોને આંશિક રાહત આપશે.

ખેડૂતો અને નાગરિકો માટે સૂચના

કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલા અનાજને ઢાંકી દેવા સલાહ આપવામાં આવે છે. તેમજ ગાજવીજ વખતે ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેવા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે.