ટીઓડી હેઠળ શિવભક્તોને વધુ એક ટ્રેન સુવિધા
એપ્રિલ અને મે માસમાં ટ્રેનના આઠ-આઠ ફેરા સંચાલિત થશે, હરિદ્વાર, કેદારનાથ જતાં યાત્રિકોને લાભ
ભાવનગર - ભાવનગર-હરિદ્વાર-ભાવનગર વચ્ચે આગામી રવિવારથી વધુ એક ટ્રેન સુવિધા શરૃ થવા જઈ રહી છે. ઉનાળું વેકેશનને ધ્યાનમાં રાખી ટીઓડી (ટ્રેન ઓન ડિમાન્ડ) હેઠળ આ વિશેષ ટ્રેનને વિશેષ ભાડા સાથે સંચાલિત કરવા રેલવેએ નિર્ણય કર્યો છે.
ઉનાળાની રજાઓ દરમિયાન યાત્રિકોની વધતી ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ-હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણ કરાયો છે.
આ ટ્રેન તા.૧૨-૪થી તા.૩૧-૫ સુધી બન્ને દિશામાં આઠ-આઠ ફેરા સાથે સંચાલિત થશે. તા.૧૨-૪થી ભાવનગરથી દર રવિવારે વહેલી સવારે ૪-૨૫ કલાકે પ્રસ્થાન થઈ સોમવારે બપોરે ૩ કલાકે હરિદ્વાર પહોંચશે. હરિદ્વારથી તા.૧૩-૪થી દર સોમવારે સાંજે ૪-૨૫ કલાકે પ્રસ્થાન થઈ બુધવારે સવારે ૪-૩૫ કલાકે ભાવનગર પહોંચશે. બન્ને દિશામાં આ ટ્રેન સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર (જં), આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ (જં), પાળી મારવાડ, લૂની (જં), જોધપુર (જં), ગોટન, મેડતા રોડ (જં), ડેગાના (જં), છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ (જં), ચૂરૃ, સાદુલપુર (જં), સિવાની, હિસાર (જં), ભિવાની (જં), કલાનૈર કલા, રોહતક (જં), પાનીપત (જં), અંબાલા કેન્ટ (જં), સહારનપુર (જં), રૃડકી સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટિકિટ બુકિંગ આજે શુક્રવાર સાંજથી શરૃ થઈ ગયું છે તેમ ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે. વધુ એક ટ્રેન સુવિધા શરૃ થતાં હરિદ્વાર, કેદારનાથ જતાં યાત્રિકોને લાભ મળશે.
અગાઉ એક ટ્રેન શરૃ કરવામાં વાંધો હતો, હવે ત્રણ ટ્રેન
ભાવનગરથી હરિદ્વાર વચ્ચે દસકોથી ટ્રેન શરૃ કરવાની માંગણીઓ થતી રહેતી હતી. પરંતુ રેલવે તંત્રની ઉદાસીનતાના કારણે હરિદ્વાર ટ્રેન શરૃ કરાતી ન હતી. આખરે રેલવેને આત્મજ્ઞાાન લાદ્યા બાદ પ્રથમ એક ટ્રેન શરૃ કરાઈ હતી. જેમાં ટ્રાફિક અને આવક નોંધપાત્ર રહેતા બીજા ટ્રેન પણ દોડાવાનું શરૃ કરાયું હતું. આ બન્ને ટ્રેનો લગભગ હાઉસફૂલ જ જતી હોય, વેઈટિંગ પણ રહેતું હોય, જેના કારણે ઉનાળું વેકેશનના પોણા બે માસ માટે ત્રીજી ટ્રેન પણ દોડાવા નિર્ણય કરાયો છે.


