Gujarat

યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણીની અછત

By GS TEAM
18 Dec 20251 min read
યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણીની અછત

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં  છાશવારે પાણીની તંગી સર્જાતી હોય છે અને તેના કારણે હવે સત્તાધીશોએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે વિચારણા શરુ કરી છે.

બોયઝ હોસ્ટેલના ૧૨ હોલમાં રહેતા ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને માથાદીઠ ૧૦૦ લીટર  પાણીની રોજ જરુર પડે છે.જે પ્રમાણે ગણતરી કરવામાં આવે તો રોજ ત્રણ લાખ લિટર પાણીની જરુરિયાત છે.તેની સામે દરેક બોયઝ હોલમાં હોસ્ટેલની સ્થાપના થઈ ત્યારથી એક ઈંચની લાઈનનું કોર્પોરેશનનું પાણીનું કનેકશન છે.તે વખતે તો આજની સરખામણીએ ૫૦ ટકા જ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા.

આ જોડાણથી તો વિદ્યાર્થીઓની પીવાના પાણીની જરુરિયાત જ પૂરી થાય છે.જ્યારે યુનિવર્સિટીના બોરવેલમાંથી સંપમાં જતા પાણીનો ઉપયોગ હોસ્ટેલના વિદ્યાર્થીઓના નહાવા ધોવા માટે થાય છે.જોકેે સંંપમાંથી યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં પણ પાણી પૂરી પડાય છે.આ સંજોગોમાં ઉનાળામાં પાણીની માગ વધી જવાથી તો કેટલીક વખત સમારકામ વખતે પાઈપ લાઈન તુટવાથી અને સંપનું પાણી ઓછુ પડવાથી  કેટલીક વખત હોસ્ટેલના વિદ્યાર્થીઓને  ત્રણ થી ચાર દિવસ પાણી મળતું નથી હોતું. હવે હોસ્ટેલ સત્તાધીશોએ ૧૨ બોયઝ હોસ્ટેલ વચ્ચે નવા ૧૦ બોરવેલ બનાવવાની યોજના બનાવી છે.જેના પર આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે.