શહેરના અનેક વિસ્તારોમાં લો પ્રેશર અને દૂષિત તથા અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા ગંભીર બનતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પાણીના પ્રશ્ને સ્થાનિક નેતાઓ અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે. પાણીની સમસ્યાનો સમયસર ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
આજે સવારે શહેરના વોર્ડ નંબર-૧૫ની ઝોનલ સંકલન બેઠક આસિ. મ્યુનિ. કમિશ્નરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વોર્ડના કાઉન્સિલરો, પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ તેમજ વોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે પાણીના સ્ત્રોતોના જળસ્તર નોંધપાત્ર રીતે નીચે ગયા છે. આજવા સરોવરમાં પોન્ટુન પંપ શરૂ કરાયા બાદ શહેરની પાણીની ટાંકીઓના પાણીના સ્તરમાં સુધારો થઈ રહ્યો છે. ઉપરાંત, નિમેટા તરફથી આવતી નવી પાણીની લાઈને જોડવાની કામગીરી પૂર્ણ થતા પાણી પુરવઠાની સ્થિતિમાં રાહત થશે. જ્યાં પાણીની અછતની ફરિયાદો મળી રહી છે તે વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આજવા સરોવરના ઘટતા જળસ્તરને ધ્યાનમાં રાખી નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે
બેઠક દરમિયાન સત્તાપક્ષના કાઉન્સિલરે જ કહ્યું કે ટેન્કર મારફતે પાણી પહોંચાડવું એ સમસ્યાનો કાયમી ઉકેલ નથી. નાગરિકો નિયમિત વેરો ભરે છે છતાં તેમને પૂરતું પાણી મળતું નથી. આવી સ્થિતિમાં લોકોને રાહત આપવા માટે વેરામાં છૂટછાટ કે માફી આપવી જોઈએ.
કોંગ્રેસી કાઉન્સિલરે કહ્યું કે પાણીના કકળાટ વચ્ચે પરિસ્થિતિનો લાભ ઉઠાવી પાણીના બૂટલેગરો બેફામ બન્યા છે. શહેરની હદ બહાર પણ પાણીના ટેન્કરોના ફેરા થઈ રહ્યા હોઈ આ મામલે આસિ. મ્યુનિ. કમિશ્નરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. આજવા-નિમેટાથી વડોદરા સુધી પાણી પહોંચાડવાના કામની જવાબદારી સંભાળતા કોન્ટ્રાક્ટર વેલજી રત્ના સોરઠિયાનું કામ હજુ પૂર્ણ થયું નથી.
વોર્ડ નંબર ૧માં પાણીના લો પ્રેશરની સમસ્યા
ઉનાળો વીતી જવા છતાં વર્ક ઓર્ડર અપાયો નથી : પાંચ મહિનાથી છ હજાર નાગરિકો હેરાન
શહેરના વોર્ડનંબર ૧માં જાન્યુઆરી-૨૦૨૬થી પાણીની નવી લાઈન નાખવા તેમજ નિભાવણી (મેન્ટેનન્સ) સંબંધિત કામગીરી માટેના નવા વર્ક ઓર્ડર જારી કરાયા નથી. પરિણામે વિવિધ વિસ્તારોમાં પાણીના લો પ્રેશરની સમસ્યા છેલ્લા પાંચ મહિનાથી યથાવત રહેતા છ હજાર નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અપક્ષ કાઉન્સિલરનું કહેવું છે કે વોર્ડમાં રજૂઆત કરીએ તો પાણી પુરવઠા વિભાગ પર ઢોળે છે, જ્યારે પાણી પુરવઠા વિભાગ તરફથી ફાઈલ મ્યુનિ. કમિશ્નર પાસે મોકલી આપી હોવાનું જણાવાય છે. ઉનાળાની ઋતુ બાદ હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે શું હવે આ કામગીરી માટે એક્સટેન્શન કે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે તેવો સવાલ એમણે કર્યો છે.
એમણે ઉમેર્યું કે નાગરિકો હેરાન થઈ રહ્યા છે, જેના માટે મ્યુનિ. કમિશ્નર, પાણી પુરવઠા વિભાગ અને સંબંધિત વોર્ડ અધિકારીઓ જવાબદાર છે. ખરેખર વોર્ડ કક્ષાની કામગીરીના ઈજારા વોર્ડ અથવા ઝોન લેવલથી આપવામાં આવે, જેથી તંત્ર-તંત્ર વચ્ચેના સંકલનના અભાવે વેરો ભરતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ.
પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોની વોર્ડ નંબર ૪ની ઓફિસે રજૂઆત
વોર્ડ નંબર ૪ની કચેરીએ પહોંચેલા આજવા રોડની વ્રજધામ સોસાયટીના રહીશનું કહેવું છે કે, વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ છે. રહીશોના ઘરોમાં કાળા રંગનું અને દૂષિત પાણી આવી રહ્યું છે. છેલ્લા દસ દિવસથી તેઓ સમસ્યાના ઉકેલ માટે જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. તંત્ર દ્વારા ટેન્કરની સુવિધા પણ આપવામાં આવતી નથી. આ ઉપરાંત, લક્ષ્મીનગર વિસ્તારની મહિલાઓએ અપૂરતા પ્રમાણમાં તથા દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ કરી હતી. મહિલાઓનું કહેવું છે કે પાણીના ટેન્કર આવે ત્યારે અંદરોઅંદર ઝઘડા થાય છે.


