વડોદરા જેલમાં મોન્ટુ નામદારની 'મોજ': મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Montu Namdar in Jail News : અમદાવાદના ખાડિયાના ભાજપ કાર્યકરની હત્યાના કેસમાં વડોદરા જેલમાં સજા કાપી રહેલા કુખ્યાત મોન્ટુ નામદારને જેલમાં તમામ VIP સગવડો મળી રહી હોવાનો પર્દાફાશ થયો છે. કેસના ફરિયાદી પવન ગાંધીએ ગૃહવિભાગમાં અરજી કરીને આક્ષેપ કર્યો છે કે જેલના સત્તાધીશોની મિલીભગતથી મોન્ટુ જેલની અંદર બેસીને ગુનાખોરીનું નેટવર્ક ચલાવી રહ્યો છે.
મોબાઈલ ફોન અને હત્યાની સોપારીનો આક્ષેપ
અરજીમાં જણાવ્યા મુજબ, મોન્ટુ નામદાર જેલમાં હોવા છતાં બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. ફરિયાદીએ આ બંને મોબાઈલ નંબર પણ અરજીમાં આપ્યા છે અને તેની કોલ ડિટેઈલ્સ (CDR) કઢાવવાની માંગ કરી છે. આક્ષેપ છે કે મોન્ટુએ જેલમાંથી જ ફરિયાદીની હત્યા કરવાની સોપારી આપી છે. અગાઉ પણ મોન્ટુ સામે જેલમાં મોબાઈલ રાખવા અને ગેરકાયદે હથિયાર રાખવાના ચારથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.
જેલમાં દારૂ, નોનવેજ અને ડનલોપની ગાદી
ફરિયાદીએ જેલની અંદરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, મોન્ટુને સુવા માટે ડનલોપની ગાદી આપવામાં આવી છે. એટલું જ નહીં, તેને જેલમાં નિયમિત રીતે દારૂ અને નોનવેજ પીરસવામાં આવે છે.
સફેદ ઇનોવા કારનું રહસ્ય: અરજીમાં ચોંકાવનારો આક્ષેપ કરાયો છે કે દરરોજ '7250' નંબરની એક સફેદ ઇનોવા કાર જેલ પર આવે છે, જે મોન્ટુ માટે દારૂ અને નોનવેજનો જથ્થો પહોંચાડે છે.
જેલ બદલવા માટે ગૃહવિભાગને અલ્ટીમેટમ
ફરિયાદી પવન ગાંધીએ પોતાની જીવનું જોખમ હોવાનું જણાવી ગૃહવિભાગને વિનંતી કરી છે કે જો તાત્કાલિક મોન્ટુ નામદારની જેલ વડોદરાથી બદલીને રાજકોટ જેલ કરવામાં નહીં આવે, તો જેલની અંદરથી જ તેની હત્યાનું કાવતરું સફળ થઈ શકે છે. ગૃહવિભાગ આ મામલે કેટલી ઝડપથી તપાસના આદેશ આપે છે તે જોવું રહ્યું.









