Get The App

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ 1 - image

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરી નોંધાવવા માટે ફરી એક વખત ફેસ રીડિંગ આધારિત સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ આવી વ્યવસ્થા અમલમાં હતી, પરંતુ સમય જતાં તે બંધ થઈ ગઈ હતી. હવે મોબાઈલ ફોન મારફતે હાજરી નોંધાવવાની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક વિભાગોના કર્મચારીઓ ફિલ્ડ વર્ક સાથે સંકળાયેલા હોવાથી મોબાઈલ આધારિત ફેસ રીડિંગ સિસ્ટમ વ્યવહારુ નહીં રહે. ફિલ્ડમાં કામગીરી દરમિયાન હાજરી અને લોકેશન સંબંધિત વિવિધ મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા હોવાથી કર્મચારીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

આ ઉપરાંત, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના નિર્ણય મુજબ વર્ગ-1થી વર્ગ-4 સુધીના તમામ અધિકારી અને કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ પણ યુનિફોર્મ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ મોટા ભાગના કર્મચારીઓએ તેનો ઉપયોગ ટાળ્યો હતો. ત્યારે ફરી એક વખત યુનિફોર્મ ફરજીયાત બનાવવાના નિર્ણય સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ફેસ રીડિંગ આધારિત હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મના મુદ્દે નારાજ અધિકારીઓ અને કર્મચારીઓ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી પોતાની લાગણીઓ અને વાંધાઓ વ્યક્ત કરશે.