Gujarat

ગુજરાતના વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે UPSCની તાલીમ મળી રહે તે માટે VUFનું પ્રેરણાદાયી અભિયાન

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
ગુજરાતના વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે UPSCની તાલીમ મળી રહે તે માટે VUFનું પ્રેરણાદાયી અભિયાન

- કેનેડા જતાં પહેલા સંપર્ક કરનાર કોઈ પણ સમાજની વ્યક્તિને ત્યાં તમામ મદદ આપવાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જાહેરાત

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેનેડાની ટીમ દ્વારા ગુજરાતના દીકરા-દીકરીઓ માટે કેનેડામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોઇપણ સમાજની કોઇપણ વ્યક્તિ કેનેડાની કોઈપણ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જતી હોય કે, નોકરી-ધંધા અર્થે જતી હોય અને જો તેમને કેનેડામાં કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો તેમણે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી છે. અમારી કેનેડાની ટીમે કેનેડાની દરેક યુનિવર્સિટીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ કરી દીધેલ છે. જે તે યુનિવર્સિટીમાં જે કોઈ અભ્યાસ માટે જાય અને તેને જો મદદની જરૂર હોય અને સંસ્થાને અગાઉથી તેની જાણ કરવામાં આવે તો જે તે યુનિવર્સિટીના VUFના બ્રાન્ડ એમ્બેસેડર તેને એરપોર્ટથી લાવવા, તેના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં મદદરૂપ થાય છે. આ બાબતની જાણ દરેકે પોતાના સમાજમાં કરવી અને જરૂર પડે વિશ્વ ઉમિયા ધામનો સંપર્ક કરવો.   

ગુજરાતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. બને તે માટેની અસરકારક રજૂઆત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્લેટફોર્મ પરથી આપણે કરેલ છે. આ રજૂઆત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ અને ત્યારબાદ હાલના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ કરેલ છે. સદર રજૂઆત લેખિતમાં અને રૂબરૂ મળીને કરવામાં આવેલ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ વખતે ચોક્કસથી કામગીરી કરવાની ખાતરી આપી છે. સાથે જ ટૂંક સમયમાં નિર્ણય લેવાની વાત કરલ છે.

આ રજૂઆત વિશ્વ ઉમિયા ધામના તારીખ 22 નવેમ્બર, 2021ના રોજ મંદિર નિર્માણ પ્રારંભ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી તેમજ પૂર્વ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ દ્વારા કરવામાં આવેલ જેનો મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપીને ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અન્ય રાજ્યોમાં દર વર્ષે 100  વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે યુપીએસસીના કોચિંગ માટે સરકારના ખર્ચે મોકલવામાં આવે છે તેજ પદ્ધતિ પ્રમાણે ગુજરાતના 100 વિદ્યાર્થીઓને દર વર્ષે યુપીએસસીની તૈયારી માટે સરકારી ખર્ચે મોકલવામાં આવે તે પ્રકારની રજૂઆત આપણી સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.