Get The App

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ કેદીઓ લોહીલુહાણ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ કેદીઓ લોહીલુહાણ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ 1 - image


Surendranagar News:  કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલના દાવાઓ વચ્ચે સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જેલની અંદર કેદીઓના બે જૂથો સામસામે આવી જતાં થયેલી હિંસક અથડામણમાં ત્રણ કેદીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

સામસામે હુમલો: સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ

જેલમાં થયેલી આ જૂથ અથડામણમાં યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદીઓને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત આરોપીઓ રીઢા અને ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાથી, હોસ્પિટલ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પી.આઇ. સહિતનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ કેદીઓ લોહીલુહાણ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ 2 - image

શું આ કોઈ મોટું કાવતરું છે?

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેલના સૂત્રો મુજબ:

ગેરકાયદે સવલતો પર રોક: જેલમાં તાજેતરમાં કડકાઈ વધારવામાં આવી છે. મોબાઈલ ફોન અને માવા જેવી ગેરકાયદે સુવિધાઓ બંધ કરી દેવાતા કેદીઓમાં છુપો રોષ હતો.

બહાર આવવાનો પેંતરો: એવી શંકા સેવાઈ રહી છે કે જેલનું વાતાવરણ બગાડવા અને સારવારના બહાને હોસ્પિટલ જવા માટે રીઢા ગુનેગારોએ આ 'સેલ્ફ-ઇન્જરી' અથવા પૂર્વનિયોજિત હુમલાનું કાવતરું રચ્યું હોઈ શકે છે.

ક્ષમતા કરતા વધુ કેદીઓ: ઘર્ષણનું મુખ્ય કારણ

સુરેન્દ્રનગર સબ જેલની હાલત 'ક્ષમતા કરતા વધુ બોજ' જેવી છે. 125 કેદીઓની ક્ષમતા સામે હાલ 300થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. ગીચતાને કારણે કેદીઓ વચ્ચે નાની વાતે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થવું હવે સામાન્ય બની ગયું છે, જે જેલ સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે.

તોફાની કેદીઓનું થશે ટ્રાન્સફર

ઘટનાની ગંભીરતાને જોતા જેલ પ્રશાસને હવે કડક વલણ અપનાવ્યું છે. જેલનું વાતાવરણ બગાડનારા અને હુમલાખોર કેદીઓની યાદી જિલ્લા પોલીસ વડાને સોંપાઈ છે. આ કેદીઓને તાત્કાલિક ધોરણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ અથવા અન્ય સુરક્ષિત જેલોમાં ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી જેલની અંદર હથિયારો ક્યાંથી અને કેવી રીતે આવ્યા તે દિશામાં તપાસ તેજ કરી છે.