Gujarat

ગ્રામજનોએ કરેલ શાળાને તાળાબંધી ખોલવા ગયેલા કેળવણી નિરીક્ષક વિલા મોઢે ફર્યા

By GS Team
2 Jan 20202 mins read
This article was originally published on 2 Jan 2020
ગ્રામજનોએ કરેલ શાળાને તાળાબંધી ખોલવા ગયેલા કેળવણી નિરીક્ષક વિલા મોઢે ફર્યા

પાલનપુર, ભીલડી તા. 1 જાન્યુઆરી 2020, બુધવાર

કાંકરેજ તાલુકાની ખોડા પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકના વિવાદ વકરવા પામ્યો છે. જેને લઇ ગામ લોકોએ શાળાના બંને શિક્ષકોની અન્ય ઝડપાયે બદલી કરવાની માંગ કરી છે. તેમજ જ્યાં સુધી બદલી નહી થાય ત્યાં સુધી શાળાને તાળુ મારી દેતાં શિક્ષણજગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કેળવણી નિરીક્ષણ દોડી આવ્યા અને શાળા ચાલુ કરવા મથામણ કરેલ પરંતુ ગામ લોકોએ અડગ રહી બદલી નહી થાય ત્યાં સુધી તાળુ નહી ખોલાય તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવાયું હતું.

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ખોડા પ્રાથમિક શાળામાં તાળાબંધીને લઇને તાલુકાથી જીલ્લા સુધીમાં દોડધામ મચી જવા પામેલ છે. બે શિક્ષકોના વિવાદ વચ્ચે ગામલોકોએ રોષે ભરાઇ મંગળવારે તાળાબંધી કરી હતી. આથી શિક્ષણકાર્ય યથાવત રાખવાના હેતુસર કેળવણી નિરિક્ષકની ટીમ ગામમાં દોડી આવી હતી. આ દરમિયાન શાળાનું તાળુ ખોલવા મથામણ કરતા ગામલોકો  એ એક થઇ સ્પષ્ટ શબ્દોમાં મનાઇ કરી હતી. ગામ લોકોએ શાળાના આચાર્ય અને શિક્ષકના વિવાદથી ત્રાસી બંનેની તાત્કાલીક બદલી કરવાની માંગ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ખોડા પ્રાથમિક શાળામાં તાળબંધીને પગલે ગામના બાળકો શિક્ષણથી વંચિત જ્યારે શિક્ષકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સતત બે દિવસથી શાળને તાળુ લાગેલું હોઇ તાલુકા શિક્ષણથી જિલ્લા સુધીમાં ગામલોકોની રજુઆત સામે મંથન શરૃ થયું છે. શાળાના આચાર્ય અને શિક્ષકની બદલી કરી કોઇ અન્ય શાળામાં નહિ મુકાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાનું ગામલોકોએ નિર્ણય કરતા ચકચાર મચી જવા પામેલ છે. અને તાત્કાલિક વિના વિઘ્ને શાળા શરૃ કરવી અધિકારીઓ માટે કીચડો બની ગયું છે.