Gujarat

સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ

By GS TEAM
16 Jun 20262 mins read
સયાજી હોસ્પિટલમાં નમાજ  અદા કરતા  હોવાનો વીડિયો વાયરલ

વડોદરા,સયાજી હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં જાહેરમાં ત્રણ લોકોએ નમાજ અદા કરી હતી. જેનો વીડિયો કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ શરૃ કરવામાં આવી છે. નમાજ અદા કરનાર કોણ છે, ક્યાંથી આવ્યા હતા, તે અંગે તપાસ શરૃ થઇ છે.

હોસ્પિટલના  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલના ઓ.પી.ડી. માં કેસ કઢાવવા માટેના કાઉન્ટર વાળા રૃમમાં દર્દીઓ અને તેમની સાથે આવેલા સગાઓના બેસવા માટે ખુરશીઓ મૂકવામાં આવી છે.  આ સ્થળે ત્રણ વ્યક્તિઓ જેમાં બે યુવક અને એક આધેડે નમાજ અદા કરી હતી. તે અંગેનો વીડિયો કોઇએ ઉતાર્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. જે વીડિયો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના ધ્યાને પણ આવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, વીડિયોમાં દેખાતી વ્યક્તિઓ દર્દીના સગા  હોવાનું જણાઇ રહ્યું છે. જોકે, વીડિયો કઇ તારીખનો છે, તેની જાણ નથી.

ઉલ્લેખનીય છે કે, ઓ.પી.ડી.માં સવારે અને બપોરે ભીડ હોય છે . પરંતુ, સાંજના સમયે ભીડ હોતી નથી. જેથી, આ સ્થળે કોઇ અવર - જવર નહતી.  આ વીડિયો સાંજનો  હોવાની શક્યતા છે.  ત્યાં કોઇ  સિક્યુરિટી જવાનો પણ દેખાતા નથી. કોઇ શખ્સ  શાંતિથી વીડિયો ઉતારી રહ્યો છે. આ ઘટનાના પગલે હોસ્પિટલના સિક્યુરિટી જવાનોને જરૃરી  સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.



સયાજીમાં ૮૦૦ કેમેરા છતાં તંત્રને જાણ ના થઇ

વડોદરા,

આ વીડિયો પોલીસના ધ્યાને આવતા પોલીસ  પણ દોડતી થઇ હતી. પોલીસે હોસ્પિટલમાં જઇ આ અંગે તપાસ પણ શરૃ કરી છે. પોલીસે કેટલાક સૂચનો પણ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આપ્યા હતા. સયાજી હોસ્પિટલમાં કુલ ૮૦૦ કેમેરા કાર્યરત છે.છતાં તંત્રને આ અંગે કોઇ જાણ થઇ નહતી.