Gujarat

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા

By GS TEAM
10 Nov 20252 mins read
નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા

- ઝીંગા સર્કલ પાસે ફોર્ચ્યુચર ગાડીના ચાલકે અજાણ્યા પર વ્હીલ ચઢાવી દીધું :  સુમુલ ડેરીના પાર્કિંગમાં સૂતેલા શ્રમિક અજાણ્યો ટેમ્પો ફરી વળ્યો

સુરત,:

સુરતમાં સુતેલા બે વ્યકિતને વાહને કચડી મારવાના બે બનાવોમાં અઠવા સાંઈબાબાના મંદિર નજીક  રવિવારે સવારે  રોડપર સૂતેલા અજાણ્યા યુવાનને ફોર્ચ્યુનર કાર ચાલકે કચડી મારતા ગંભીર ઇજા થતા મોત થયુ હતું. બીજા બનાવમાં  લાલ દરવાજા ખાતે રવિવારે સાંજે પાર્કિંગમાં સુતેલા યુવાનને  ટેમ્પાએ અડફેટે લેતા મોતને ભેટયો હતો.

નવી સિવિલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ રૃદરપુરા ખાતે રહેતો ૨૮ વર્ષીય રોબીકુમાર  ટેલર માચ્છીનું વેચાણ કરે છે. રવિવારે સવારે તે નાનપુરા ઝીંગા સર્કલ પાસે  સાંઈબાબાના મંદિર નજીક  ફોર્ચ્યુનર કાર પાર્ક કરીને કામ અર્થે ગયો હતો. બાદમાં તે કાર બહાર કાઢતી વખતે ત્યાં નજીકમાં સુતેલો એક અજાણ્યો પુરુષ  (ઉ.વ.૪૦) અડફેટે આવી જતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. આ અંગે અઠવા લાઇન્સ પોલીસે કાર ચાલક રોબીકુમાર ટેલર વિરુધ ગુન્હો નોધીને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મૂળ મઘ્યપ્રદેશના વતની અને હાલમાં લાલ દરવાજાના વસ્તાદેવડી રોડ સુમુલ ડેરીના ટેમ્પો પાર્કિંગમાં રહેતો આશરે ૩૫ વર્ષીય કૈલાશ ઉર્ફે ઠુંડો  છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે સાંજે તે  ત્યાં પાર્કિંગમાં સૂતો હતો. તે સમયે અજાણ્યા ટેમ્પો ચાલકે ગફલતભરી રીતે હંકારતા તેને અડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ધટના સ્થળે જ મોત થયુ હતું. આ  અંગે મહીધરપુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.