વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ : કપુરાઈની ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી, ચોર ટોળકી CCTVમાં કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Vehicle Theft : વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં આવેલી શિવમ બંગલો અને વ્રજ વિહાર સોસાયટીમાંથી છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાનમાં નવ વાહન ચોરીના બનાવોથી સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો છે. વાહન ચોર ટોળકી સોસાયટીમાં મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગે સોસાયટીના રહીશોએ કપુરાઈ પોલીસમાં ફરિયાદ આપી છે.
વડોદરા શહેરમાં એક અઠવાડિયા દરમિયાન પંદર જેટલા વાહનોની ચોરીની ફરિયાદ થતી રહે છે. પરંતુ કેટલીક ફરિયાદો તો માત્ર અરજી લઈને નોંધવામાં આવતી નથી. વડોદરા શહેરમાં ખાસ કરીને રેલ્વે સ્ટેશન એસટી ડેપો કે સયાજી બાગ કે પછી વિવિધ વિસ્તારોમાંથી પાર્કિંગ કરેલા વાહનો ચોરી થતી રહે છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોર ટોળકી સક્રિય બની રાત્રિ દરમિયાન ટેમ્પો લઈને સોસાયટી વિસ્તારમાં પહોંચે છે અને ટેમ્પો સોસાયટીની બહાર થોડે દૂર રાખી સોસાયટીમાં કમ્પાઉન્ડ કે બહાર રાખેલા વાહનોનું લોક તોડી વાહન ચાલુ કર્યા વિના સોસાયટીની બહાર સુધી વાહનને લઈ જઈ ટેમ્પામાં ચડાવી દેતા હોય છે અથવા લોક તોડ્યા વગર બે કે ત્રણ તસ્કર વાહન ઉઠાવીને લઈ જતા હોય છે.
આવી જ રીતે છેલ્લા બે દિવસ દરમિયાનમાં વાહન ચોર ટોળકી કપુરાઈ વિસ્તારમાં આવેલા કેસર બંગલોમાંથી ત્રણ દિવસ અગાઉ ચાર બાઇકની ચોરી થઈ હતી. જ્યારે બે દિવસ અગાઉ શિવમ બંગલોમાંથી એક અને વ્રજ વિહાર સોસાયટીમાંથી એક અને સમર્થ સોસાયટીમાંથી ત્રણ બાઈકની ચોરી થઈ હતી.
ત્રણ સોસાયટીમાં થયેલી વાહન ચોરી જે રીતે થઈ છે તેમાં વાહન ચોર ટોળકી ટેમ્પો લઈને આવી હોય તેમ માનવામાં આવે છે. આ ચોર ટોળકી સોસાયટીના સીસીટીવી ફૂટેજમા કેદ થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં પણ તસ્કર ટોળકી ઘરના કમ્પાઉન્ડમાં મુકેલા વાહન ચાલુ કર્યા વિના ખેંચીને સોસાયટીની બહાર સુધી લઈ જતા નજરે પડે છે જેથી સોસાયટીની બહાર ટેમ્પો મૂક્યો હોવાનો પણ માનવામાં આવે છે.









