Gujarat

વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાત સરકાર એકતરફ 'ભણશે ગુજરાત, રમશે ગુજરાત' જેવા મોટા સૂત્રો અને બેનરો પાછળ કરોડોનો ધર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષણની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંની બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પ્રારંભના એક મહિના બાદ પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત
AI IMAGE

Gujarat Education: ગુજરાત સરકાર એકતરફ 'ભણશે ગુજરાત, રમશે ગુજરાત' જેવા મોટા સૂત્રો અને બેનરો પાછળ કરોડોનો ધર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષણની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંની બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પ્રારંભના એક મહિના બાદ પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી.

સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

આ ગંભીર મુદ્દે વાંસદા તાલુકાના સરપંચો દ્વારા એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરપંચોએ આક્ષેપ કર્યો છે કે, વાંસદા તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના ગરીબ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પરંતુ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય જેવી પાયાની સુવિધાઓ આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે.

'ફોટોસેશન'માં રસ, સુવિધામાં શૂન્ય

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર બાલવાટિકાના 'પ્રવેશોત્સવ' જેવા કાર્યક્રમોમાં ધામધૂમથી ફોટોસેશન કરાવે છે, પરંતુ બાળકોને જરૂરી પાયાની સગવડો પૂરી પાડવામાં જરાય રસ દાખવતી નથી. તંત્ર પોતાના સ્વાર્થના કામોમાં અને બિનઉપયોગી સરકારી પ્રોગ્રામોમાં એટલું વ્યસ્ત છે કે ગરીબ બાળકોના શિક્ષણ પર તેની માઠી અસર પડી રહી છે.

સરપંચે જણાવ્યું હતું કે 'સરકાર ખાનગી શાળાઓને મહત્વ આપી રહી છે અને સરકારી શાળાના ગરીબ બાળકોના ભવિષ્યનું શોષણ કરી રહી છે. જો સરકાર જાગશે નહીં, તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.'

આંદોલનની ચીમકી

સરપંચોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં સાચી શિક્ષણ નીતિ અમલમાં મૂકીને બાળકોને પુસ્તકો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર લડત આપશે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ ઊંઘતું તંત્ર જાગે છે કે કેમ?