Get The App

વડોદરા: લીવાઈસ કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચતા બે ભેજાબાજની ધરપકડ

Updated: Mar 1st, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: લીવાઈસ કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચતા બે ભેજાબાજની ધરપકડ 1 - image

વડોદરા, તા. 01 માર્ચ

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આવેલા મિલન પાર્ટીપ્લોટની પાસે બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રાહકોને ડુપ્લીકેટ મટિરિયલ પધરાવતા સંચાલક સહિત બે ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી 5.74 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મુંબઈ સ્થિત નેત્રીકા કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ટ્રેડમાર્કના હકકોના રક્ષણનું કામ કરે છે. આ કંપનીને વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે મિલન પાર્ટી પ્લોટની બાજુમાં લીવાઇસ કંપનીનાના કોપીરાઇટનો ભંગ થતો હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે કંપનીની ટીમે હરણી પોલીસને સાથે રાખી માહિતી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે કાઉન્ટર ઉપર હાજર મેનેજર મિલન મહેન્દ્રભાઈ વૈદ્ય ( રહે - મિલન પાર્ટી પ્લોટ, મૂળ રહે - મુંબઈ ) અને સંચાલક હર્ષલ બીપીનભાઈ આસર ( રહે - મિલન પાર્ટી પ્લોટ, મૂળ રહે- જામનગર ) ને ઝડપી પાડી તપાસ આરંભી હતી. 

આ દરમિયાન લીવાઇસ કંપનીના 15 નંગ જેકેટ, 60 નંગ કોટન જીન્સ, 285 નંગ જીન્સ પેન્ટ, 16 નંગ શર્ટ, 262 નંગ શુઝ અને 27 નંગ સ્લીપર મળી આવ્યા હતા. સંચાલક પાસે લીવાઇસ કંપનીની પ્રોડક્ટ વેચવા બદલ કોઈ પુરાવો મળી ન આવતા પોલીસે કુલ 05,74,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, આરોપીઓએ ગ્રાહકોને બ્રાન્ડેડ મટીરીયલના નામે ડુપ્લીકેટ મટીરીયલ પધરાવી છેતરપિંડી સાથે કોપીરાઇટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આરોપીઓએ અગાઉ આ પ્રકારે ગુનો આચર્યો છે કે કેમ? તેમજ આ ગુનામાં અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ અર્થે પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.