Gujarat

વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે

By GS TEAM
22 Feb 20261 min read
વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે

એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા તા. ૨૪થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે ૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬ - મેન્સનું આયોજન કરાયું છે.

આ ચેમ્પિયનશિપમાં રાજ્યો અને સંસ્થાની મળી કુલ ૩૨ ટીમોમાં સમગ્ર દેશમાંથી ૫૧૨ વર્લ્ડ - ક્લાસ એથ્લેટ્સ અને ૪૦ ઓફિસિયલ ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસીય આ સ્પર્ધાના મુકાબલા દરરોજ સાંજે ૪થી ૧૦ વાગ્યે યોજાશે. જેમાં પ્રો- કબડ્ડીના સ્ટાર ખેલાડીઓ પોતાના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમવાર આ સ્પર્ધાનું ૩૦ દેશોમાં લાઈવ પ્રસારણ કરાશે.

સ્પર્ધા દરમિયાન આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર એશિયન ગેમ્સ માટેની ભારતની સંભવિત ટીમના ખેલાડીઓની પસંદગી થશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અર્જુન, દ્રોણાચાર્ય એવોર્ડી અને પદ્મશ્રી ખેલાડીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક રાજ્યના પ્રેસિડેન્ટ, સેક્રેટરી પણ હાજર રહેશે.

ગુજરાતની ટીમમાં વડોદરાના બે ખેલાડી કિશન પંડ્યા અને જનક ગુરખાનો સમાવેશ થાય છે. એકલવ્ય એવોર્ડી તુષાર આરોઠેએ કહ્યું હતું કે, એશિયન ગેમ્સ માટે ભારત સામે ઈરાન, સા.કોરિયા અને ચાઈનાની ટીમો મુખ્યત્વે પડકાર રહેશે. રાજ્ય સ્તરના ખેલાડી અને પુર્વ સાંસદ અને રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, સરકારના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરી વધુ એક માઈલસ્ટોન માટે તૈયાર છીએ. આ વડોદરા માટે ગર્વની ક્ષણ બની રહેશે.