વડોદરા: નિરાધાર કિશોરી મામીના મારથી ડરીને વડોદરા ભાગી આવી: અભયમે મદદ કરી

વડોદરા, તા. 17
એક નિરાધાર કિશોરીને મદદ કરવા માટે કોઈ સહ્રદયી વ્યક્તિએ 181 અભયમ હેલ્પ લાઇનને કરેલો કોલ ફરી એકવાર તેને ઉગારનારો બન્યો છે.માતાપિતાના મરણ પછી બેસહારા બનેલી આ કિશોરી મામા મામીના આશ્રયે હતી અને મામીના મારના ડરથી વડોદરા ભાગી આવી હતી. તેના વાલીઓની કોઈ ભાળ ન મળતાં મહિલા સુરક્ષા હેલ્પ લાઇનના સેવાકર્મીઓએ તેને બાલિકા સંરક્ષણ ગૃહના સુરક્ષિત આશ્રય હેઠળ તેને મૂકી છે.
ઘટના અંગે જાણકારી આપતાં અભયમ 181મહિલા હેલ્પ લાઈન, વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું કે, વડોદરા બસસ્ટેશનથી એક ત્રાહિત વ્યકિતએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનને કૉલ કરી એક બાળકી સવારથી ત્યાં એકલી બેસી રહી હોવાની જાણ કરીને તેને મદદ કરવા જણાવ્યું હતું.
તાત્કાલિક પ્રતિસાદ આપતાં અભયમ રેસ્ક્યુ ટીમ જણાવેલા સ્થળે પહોંચીને સગીરા સાથે ચર્ચા કરતા તેના પરીવાર નો સંપર્ક થઈ શક્યો નતો.
આશરે 14વર્ષ ની આ દીકરીએ સાથે ચર્ચા કરતાં તેણે જણાવ્યું કે ચોક્કસ સ્થળની ખબર નથી. માતા પિતાના મૃત્યુ બાદ તેના મામા મામી મધ્ય પ્રદેશ થી અહી લાવ્યા હતા અને તેઓ ઇટો ના ભઠ્ઠામા કામ કરતાં હતાં.
સગીરાની તબિયત સારી ના હોવાથી ઘર કામ કરી શકતી ના હોવાથી તેના મામી મારતા હતા જેથી તેમની બીક થી ભાગી વડોદરા આવી પહોચી હતી.
મધ્ય પ્રદેશ રાજ્યના નિયંત્રણ કક્ષનો આ બાબતે સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો પરતું સંપર્ક ન થયો. જેથી હાલ તુરત આ કિશોરીને આશ્રય માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માં મુકવામાં આવી છે.
અભયમ પ્રવક્તાએ કોઈપણ બાળકી,કિશોરી,મહિલા કે વૃદ્ધ મહિલા કોઈ મુશ્કેલીમાં જણાય,નિરાધાર કે ભયભીત જણાય, તેની સાથે હિંસા અને અત્યાચાર થઈ રહ્યો હોય તો તુરત જ181 પર કોલ કરીને જાણકારી આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે.આપનો એક કોલ અને સમય સૂચકતા કોઈને વિકટ પરિસ્થિતિમાં થી ઉગારી શકે એમ તેમણે જણાવ્યું છે.




