વડોદરાઃ વડોદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખે ખેલ કરી દેતાં રણોલી જિલ્લા પંચાયતની બેઠક ભાજપે કબજે કરી લીધી હતી.કોંગ્રેસે આ બનાવ બાદ તરત જ પ્રમુખ પદ છીનવી લઇ નવા પ્રમુખ તરીકે જય ભટ્ટને મુક્યા છે.
મારા વિસ્તારમાં ભાજપ ચાલે જ નહિ તેવી શેખી મારતા વડોદરા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રાજુ ઠાકોરના પત્ની ગીતાબેને રણોલી બેઠક પરથી ફોર્મ પાછું ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર ચૂંટણી લડયા વગર જ બિનહરીફ થયા છે.
બીજીતરફ વડોદરા જિ.પં.ની સયાજી પુરા બેઠક પર ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે તેવા કોંગ્રેસના ઉમેદવાર બળવંત સિંહ મહિડાએ પણ ફોર્મ પાછું ખેંચી લીધું હતું.તેમણે કહ્યું હતું કે જો મારા તાલુકાના પ્રમુખ જ પાણીમાં બેસી જતા હોય તો મારે પણ ચૂંટણી નથી લડવી.
વડોદરા જિલ્લામાં કોંગ્રેસના હોદ્દેદારોમાં સંકલનનો અભાવ
વડોદરા જિલ્લામાં કોંગ્રેસના હોદ્દેદારો વચ્ચે સંકલન નહિ હોવાને કારણે ભાજપને સીધો ફાયદો થઇ રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.કોંગ્રેસના હોદ્દેદારો ભાજપ સામે થઇ રહેલા વિરોધના માહોલની તક ઝડપી લેવામાં ગ્રાઉન્ડ લેવલે નહિ ઉતરતાં કાર્યકરોના મનોબળ પર અસર થઇ રહી હોવાનું મનાય છે.


