હરણીમાં ટેમ્પામાંથી મળેલા 270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો

વડોદરાઃ હરણી ગોલ્ડન ચોકડી પાસેથી એક વર્ષ પહેલાં બિનવારસી ટેમ્પામાંથી મળેલા રૃ.૨૭ લાખની કિંમતના ૨૭૦ કિલો ગાંજાના કેસમાં વડોદરા શહેર એસઓજીની ટીમે નક્સલી વિસ્તારમાંથી સપ્લાયરને દબોચી લીધો છે.
ગોલ્ડન ચોકડી પાસેની હોટલ નજીક હરણી પોલીસે બિનવારસી ટેમ્પો તપાસતાં તેના ચોરખાનામાંથી ૨૭૦ કિલો ગાંજાના કુલ ૪૫ પેકેટ મળી આવ્યા હતા.જેથી એસઓજીએ તપાસ સંભાળી લઇ ટેમ્પાના ડ્રાઇવર સુરતાનખાન અમીનખાન (જોલીયાલી,જોધપુર,રાજસ્થાન)ને શોધી કાઢ્યો હતો.
પોલીસની તપાસમાં રાજસ્થાનના પુખરાજ અને તેના ભાગીદાર રમેશ ડારાએ ઓરિસ્સાથી ગાંજો સપ્લાય કર્યો હોવાની અને રાજસ્થાન પહોંચાડવાનો હોવાની વિગતો ખૂલતાં એસઓજીએ પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇ(હેમનગર,જોધપુર)ને ઝડપી પાડી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ત્યારબાદ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ સીબી ટંડેલે પુખરાજના ભાગીદાર રમેશ પેમારામ ડારા(બિશ્નોઇ)ની તપાસ કરાવી હતી.તેનું લોકેશન છત્તીસઢના ધમતરી જિલ્લામાં નગરી ગામે નીકળતાં પીએઆઇ આર એન સિસોદીયાને ટીમ સાથે મોકલ્યા હતા.આ ટીમે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી અને કલ્લેનેટા નામના નક્સલી એરિયામાં વોચ રાખી ટ્રેક્ટરથી ખેતર સમતળ કરતા રમેશને દબોચી લીધો હતો.








