વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: વડોદરા શહેર પોલીસે નશાના કાળા કારોબાર પર વધુ એક પ્રહાર કર્યો છે. મધ્ય પ્રદેશથી વડોદરામાં ગાંજો સપ્લાય કરતા મુખ્ય સપ્લાયરને પોલીસે ઝડપી પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપી પાસેથી વડોદરાના સ્થાનિક નેટવર્કની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
કેવી રીતે શરૂ થઈ તપાસ?
મળતી માહિતી અનુસાર, શહેરના ગોરવામાં મધુનગર નવા યાર્ડ રોડ પર છઠ્ઠી ડિસેમ્બર 2025ના રોજ મંદિર નજીક સ્કૂટર ઉપર ગાંજો વેચતા રાજેન્દ્ર બિદને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 22 હજાર રૂપિયાની કિંમતનો ગાંજો અને અન્ય સાધનો મળી કુલ 1.10 લાખ રૂપિયાની મતા જપ્ત કરાઈ હતી. રાજેન્દ્રની પૂછપરછ બાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે શખસો અરવેશ ખાન પઠાણ અને શાંતિલાલ નિનામાની પણ ધરપકડ કરી હતી.
ગાંજાનું પગેરૂ મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું
ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ માલ મધ્ય પ્રદેશના રતલામ નજીક આવેલા પીપલ ખૂંટા વિસ્તારમાંથી સપ્લાય કરવામાં આવતો હતો. આ નેટવર્ક ચલાવતા મોહન નંદુ નીનામાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. વોન્ટેડ આરોપી મોહન નીનામા વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને રેલવે સ્ટેશન પરથી જ દબોચી લીધો હતો.
પોલીસ હવે આરોપી વડોદરામાં કેટલા સમયથી ગાંજો સપ્લાય કરતો હતો? શહેરમાં અન્ય કયા પેડલરો કે મોટા ગજાના સપ્લાયરો તેની સાથે સીધા સંપર્કમાં છે? તે કયા રસ્તેથી અને કેવી રીતે વડોદરામાં આ નશીલા પદાર્થની ખેપ પહોંચાડતો હતો? તે અંગે તપાસ કરી રહી છે. વડોદરા પોલીસની આ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ આગામી દિવસોમાં વધુ કડક તપાસ અને ધરપકડ કરી શકે છે.








