Gujarat

વડોદરા: થર્ટી ફર્સ્ટ ને ધ્યાનમાં રાખી પોલીસનું ચેકિંગ, નશામાં વાહન ચલાવનાર 27 અને 104 પીધેલી હાલતમાં ઝડપાયા

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
વડોદરા: થર્ટી ફર્સ્ટ ને ધ્યાનમાં રાખી પોલીસનું ચેકિંગ, નશામાં વાહન ચલાવનાર 27 અને 104 પીધેલી હાલતમાં ઝડપાયા

- થર્ટી ફર્સ્ટ અને રાત્રિ કરફ્યુને અનુલક્ષી વડોદરા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી સઘન નાઇટ પેટ્રોલિંગ કર્યું

વડોદરા, તા. 01 જાન્યુઆરી

થર્ટી ફર્સ્ટ અને રાત્રિ કરફ્યુને અનુલક્ષી વડોદરા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી વિવિધ વિસ્તારોમાં સઘન નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવતાં 27 વ્યક્તિ , લથડીયા ખાતા 104 પીધેલા અને જાહેરનામાનો ભંગ કરનાર 07 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેર પોલીસ કમિશનર સમશેરસિંઘના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ મથકોની પોલીસ ટીમોએ છેલ્લા 20 દિવસથી વિવિધ વિસ્તારોમાં સઘન નાઈટ પેટ્રોલીંગ હાથ ધરી હિસ્ટ્રીશીટર, નશાખોરો તથા અસામાજીક તત્વોને ઝડપી પાડ્યા હતા. ખાસ કરીને ૩૧મી ડિસેમ્બર પર્વે  લોકો નશાની પાર્ટી પાર્ટી હોય તેમજ કોરોના મહામારીના પગલે રાત્રી કર્ફયુ અંતર્ગત વીતેલી રાત્રે પોલીસે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ દરમિયાન પોલીસે વિવિધ વિસ્તારોમાં બ્રિથ એનેલાઇઝર વડે ચકાસણી કરી 27 વાહનચાલકોને નશાની હાલતમાં ઝડપી પાડયા હતા. જ્યારે 104 જેટલા પીધેલા લથડીયા ખાતા નજરે ચડતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. આ ઉપરાંત ફતેગંજ પોલીસે હદ વિસ્તારમાં કેક શૉપ સંચાલક  , છાશ વાલાની દુકાન સંચાલક, મહાવીર આઇસ્ક્રીમ દુકાન સંચાલક, ભાઈલાલ દાબેલી લારી ધારક ,સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં ઢોસા દુકાન ધારક અને ગાયત્રી ભવન પાસે ટહેલી રહેલા શખ્સની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી. આમ વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસે સઘન નાઈટ પેટ્રોલીંગ કરી મોટી સંખ્યામાં નશાખોરને ઝડપી પાડયા હતા. તો ઘણા નશાખોરોએ કારોબારીઓ સામે પણ પોલીસ ઝુંબેશ આદરે તેવા આક્ષેપો કર્યાના કિસ્સા જાણવા મળે છે.

ગોત્રી વિસ્તારમાં ધાબા ઉપર દારૂની મહેફિલ માણતા ચાર ઝડપાયા

ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી ગોત્રી વિસ્તારમાં હરી નગર બ્રિજ પાસે આવેલા કોમ્પલેક્સમાં ધાબા ઉપર દારૂની મહેફિલ માણી રહેલા સુભાષ ડામોર , નારાયણ ડામોર ,પૃથ્વીસિંગ રાવ અને પવનસિંગ રાવ ( તમામ રહે - તક્ષ કોમ્પલેક્ષ , ગોત્રી, મૂળ રહે- રાજસ્થાન ) ને ઝડપી પાડયા હતા. પોલીસે દરોડા દરમિયાન દારૂની બોટલ અને 03 નંગ મોબાઇલ ફોન મળી 18,200 ની મત્તા કબજે કરી હતી.


વાઘોડિયા ચેકપોસ્ટથી દારૂ-બીયર સાથે કાર ચાલક ઝડપાયો

પાણીગેટ પોલીસ મથકના જવાનોએ વાઘોડિયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન દારૂ સાથે કાર ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી આનંદસુંદર અમિતવા ચેટરજી ( રહે -એલ એન્ડ ટી નોલેજ સિટી , મૂળ રહે, મુંબઈ )હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારની ઝડતી લેતા મળી આવેલા થેલામાંથી 02 દારૂની બોટલ 04 બીયરના ટીન અને કાર મળી 04,01,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.