Gujarat

વડોદરા:30 દિવસ બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ: વિદ્યાર્થીઓની પાંખી હાજરી

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
વડોદરા:30 દિવસ બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ: વિદ્યાર્થીઓની પાંખી હાજરી

- પરીક્ષા ઓફલાઈન કે ઓનલાઈન ? હજુ અનિશ્ચિતતા

વડોદરા, તા. 07

30 દિવસ બાદ આજે ફરીથી શાળાઓમાં ધોરણ 1થી 9નું ઓનલાઇનની સાથે ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવ્યું છે. શાળાઓમાં ફરી બાળકોનો અવાજ ગુંજી ઉઠ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જાન્યુઆરીમાં કેસ વધતા ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.

શિક્ષણમંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવારથી એસ.ઓ.પી. કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. કોરોનામાં અવાર નવાર શાળાઓ બંધ રહી. જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી ધોરણ 01 થી 09 ની શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. જોકે હાલમાં જ દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ અને ફરી કોરોનાના કેસના કારણે શાળાઓ બંધ રાખવી પડી.હવે કેસ ઘટતા ફરી શરૂ તો થઈ રહી છે છતાં 30 ટકા બાળકો શાળાએ જવા રાજી નથી. એજ્યુકેશન એક્સપર્ટ કહે છે કે, પાછલા બે વર્ષના સમયમાં શાળાઓ ચાલુ હતી ત્યારની શાળાઓમાં વિધાર્થીઓની હાજરીના આંકડાનો અભ્યાસ કરીએ તો 30 ટકા એવા વિધાર્થી એવા છે. જેઓને શાળાએ જવાની ઈચ્છા ન થતી હોય. પણ શાળાએ જવાની રૂટિન લાઈફમાં આવતા 10 થી 15 દિવસ થશે. કોરોનાની ત્રીજી લહેરની અલવિદા એટલે કે, કેસમાં ઘટાડો થતા ફરી શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ શરુ થઇ રહ્યો છે. પરંતુ વારંવાર શાળાઓ બંધ રહેતા બાળકોમાં અભ્યાસ માટે શાળાએ જવાની રુચિ ઘટી રહી છે. શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે ફરી શાળા તો શરૂ થઈ રહી છે પણ 30 ટકા વિધાર્થીઓને શાળાએ જવાની ઇચ્છા નથી થતી. તદુપરાંત આજથી ધોરણ 1 થી 9 ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણનો નિર્ણય કરાતા ધો-9 ની પરીક્ષાનુ અવઢવ દૂર થયુ છે. ઓફલાઈન અને ઓનલાઈન પસંદ કરવાની છૂટ આપી હોવાથી ઓફલાઈન પરીક્ષા ના આપે તો શું કરવુ તે અંગે અવઢવ હોવાથી શિક્ષકો મુંઝવણ અનુભવી રહ્યા છે. અને આ અંગે શિક્ષણ વિભાગનું ધ્યાન દોરાશે.