Vadodara Car Fire : વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી મહારાણી કન્યા વિદ્યાલયના મુખ્ય ગેટ બહાર પાર્ક કરેલી એક કારમાં સોમવારે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કારના એન્જિન ભાગમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.
વડોદરા શહેરના દાંડિયા બજાર ત્રણ રસ્તા નજીક મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે આવેલા ગેટ બહાર પાર્ક કરેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં કારના આગળના ભાગે આગ ફાટી નીકળી હતી અને ગણતરીની મિનિટોમાં સમગ્ર બોનેટ આગની લપેટમાં આવી ગયું હતું.
બનાવને પગલે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગના જવાનો ઝડપથી સ્થળ પર પહોંચી ગયા હતા.
ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે કારને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સમયસર ફાયર બ્રિગેડની કામગીરીને કારણે આગ અન્ય વાહનો કે આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવી શકાઈ હતી.


