MLA Yogesh Patel Passes Away: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા. મહત્વનું છે કે ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થતાં ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે. આ પહેલા 6 માર્ચે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં વિધાનસભા ખંડિત થઈ હતી બાદમાં પેટા ચૂંટણીમાં તેમના દીકરાની જીત થઈ હતી.

મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા
તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે.
સરકાર અને તંત્ર સમક્ષ પણ બાંયો ચઢાવી રજૂઆત કરતા
યોગેશભાઈ પટેલ રાજ્યના એવા વિરલ રાજકારણીઓમાં સ્થાન ધરાવતા હતા, જેમણે સતત આઠ વખત વિધાનસભાની ચૂંટણી જીતી લોકોનો અતૂટ વિશ્વાસ મેળવ્યો હતો. માંજલપુર વિસ્તાર સહિત સમગ્ર વડોદરામાં તેમની લોકપ્રિયતા અને જનસંપર્ક તેમને અન્ય નેતાઓથી અલગ ઓળખ અપાવતા હતા. સરકારમાં અને સત્તાધારી પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા હોવા છતાં તેઓ પ્રજાના પ્રશ્નોને લઈને અનેક વખત ખુલીને અવાજ ઉઠાવતા હતા. લોકોની સમસ્યાઓના ઉકેલ માટે તેઓ સરકાર અને તંત્ર સમક્ષ પણ બાંયો ચઢાવી રજૂઆત કરતા હતા, જેના કારણે તેઓ સામાન્ય નાગરિકોમાં લોકલાડીલા નેતા તરીકે ઓળખાતા હતા.
"શિવજી કી સવારી"ની પરંપરાની શરૂઆત કરાવી
યોગેશભાઈ પટેલે વડોદરાના ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શહેરના સુરસાગર તળાવમાં ભવ્ય સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણ પાછળ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આજે આ પ્રતિમા માત્ર વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આગવી ઓળખ બની છે. તેમણે વડોદરામાં "શિવજી કી સવારી"ની પરંપરાની શરૂઆત કરી હતી, જે વર્ષો દરમિયાન એક વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે વિકસી છે. હજારો શ્રદ્ધાળુઓને જોડતા આ આયોજનથી શહેરમાં ધાર્મિક એકતા અને ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાતું રહ્યું છે.
સરકારના નર્મદા નિગમના મંત્રી તરીકે સેવા આપી
વડોદરાના પ્રસિદ્ધ બડા ગણેશ મંદિર અને જાગનાથ મહાદેવ મંદિરના વિકાસ કાર્યોમાં પણ યોગેશભાઈ પટેલનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ધાર્મિક સ્થળોના આધુનિકીકરણ અને સુવિધાઓના વિકાસ માટે તેમણે સતત પ્રયત્નો કર્યા હતા. યોગેશભાઈ પટેલ રાજ્ય સરકારમાં નર્મદા નિગમના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. જાહેર જીવનમાં તેમણે વિવિધ હોદ્દાઓ પર રહી વિકાસલક્ષી કાર્યોને પ્રાધાન્ય આપ્યું હતું. તેમની રાજકીય કારકિર્દી માત્ર સત્તા સુધી મર્યાદિત રહી ન હતી, પરંતુ લોકસેવા અને વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા તેમની ઓળખ બની હતી.
આ પણ વાંચો: ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો
યોગેશભાઈ પટેલના નિધનથી વડોદરા શહેરે એક અનુભવી, લોકપ્રિય અને કાર્યકર નેતાને ગુમાવ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો અને સામાન્ય નાગરિકોએ તેમના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના જીવનનો પ્રવાસ જનસેવા, વિકાસ અને ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાનો સાક્ષી રહ્યો છે. તેમના નિધનથી સર્જાયેલી ખોટ લાંબા સમય સુધી અનુભવી શકાશે. યોગેશભાઈ પટેલની સેવાઓ અને યોગદાન વડોદરાના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.
-1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
-1995માં તેઓ ભાજપમાં જોડાયા
-રાવપુરા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય બન્યા
-માંજલપુર બેઠક પર 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા
-કુલ તેઓ 8 વખત ધારાસભ્ય બન્યા હતા
-કાકાના હુલામણા નામે ઓળખાતા હતા
-રૂપાણીની સરકારમાં રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી રહી ચૂક્યા


