Gujarat

વડોદરા: ઈંટોના ભઠ્ઠામાં બનાવેલી પાણીની ટાંકી તૂટી પડી: બેના મોતના કિસ્સામાં આખરે પોલીસ ફરિયાદ

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
વડોદરા: ઈંટોના ભઠ્ઠામાં બનાવેલી પાણીની ટાંકી તૂટી પડી: બેના મોતના કિસ્સામાં આખરે પોલીસ ફરિયાદ

વડોદરા, તા. 23 

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા (સામંતપુરા) ગામની સીમમાં વડોદરાના રહીશનો ઇટોનો ભઠ્ઠો આવેલો છે. તેમાં એન્જિનિયરીંગના નિયમો મુજબ પાણીની ટાંકી બનાવાઇ ન હોવાથી તે ટાંકી જોરદાર ધડાકા સાથે ધરાશાયી થઇ હતી. તેથી ભઠ્ઠામાં કામ કરતા 4 શ્રમજીવીઓને ગંભીર ઇજા પહોંચી હતી. તે પૈકી 2ના મોત નિપજ્યા હતા. તેને કારણે નાના ગામમાં ગમગીની છવાઈ હતી.

આ બનાવની મળતી વિગતો મુજબ ઉત્તર પ્રદેશના અલીગઢ જટ્ટારી જિલ્લાના દુર્ગાપુર મજરાજટ્ટારી જરતૌલી ગામના મુળ વતની અને હાલમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અમરાપુર ગામના ગુલમહોમદ છીદ્દાખાન પઠાણના ઈટોના ભઠ્ઠામાં મજૂરીકામ કરતા 36 વર્ષીય પ્રેમ પ્યારેલાલ જાટવે ફરિયાદ નોંધાવી હતી કે વડોદરાના નવાયાર્ડ નજીક ફતેગંજ પોલીસ મથકની પાછળ રહેતો ફતેઆલમખાન હુસેનઆલમખાન પઠાણ સાવલી તાલુકાના પરથમપુરા (સામંતપુરા) ગામની સીમમાં ઇંટોનો ભઠ્ઠો ધરાવે છે. ઇંટો પકવવા પાણીની જરૂર પડતી હોય છે. તેથી પાણીના સંગ્રહ કરવા માટે ફતેઆલમખાને સાવલી તાલુકાના ધનતેજ ગામના કડિયાકામ કરતા મુન્ના મકરાણીને પાણીની ટાંકી બનાવવા કામ ગત ઓક્ટોબર માસમાં સોંપ્યું હતું. મુન્નાએ તે ટાંકી બનાવી આપી હતી. તે બાદ ફતેઆલમખાને તા.૧૦/૧૦/૨૦૨૧ના બપોરે ૧૨ વાગ્યાના સુમારે તે ટાંકીમાં તેની ક્ષમતા કરતાં વધુ પાણી ભરી દીધું હતું. તે સમયે ઇંટોના ભઠ્ઠામાં બબલીદેવી પ્રેમ પ્યારેલાલ જાટવ, ગીતાદેવી રામબાબુપ્રભુ જાટવ, રૂકમણી ચંદ્રપાલ પુરન જાટવ અને પુરનદેવી સોહનલાલ જાટવ મજૂરી કામ કરતા હતા. દરમિયાન અચાનક પાણીની ટાંકી ધડાકાભેર તુટી પડી હતી. તેથી તેની દીવાલ બબલીદેવી અને ગીતાદેવી જાટવ પર પડી હતી. તેથી તેની દીવાલ નીચે દબાઇ જવાથી બંનેના મોત નિપજ્યા હતા. જ્યારે રૂકમણીને બંને પગે તથા માથાના ભાગે ગંભીર તેમજ પુરનદેવીને ડાબા પગે સાધારણ ઈજા પહોંચી હતી. બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સાવલી પોલીસ મથકમાં જે તે સમયે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ દરમિયાન સમગ્ર હકીકત બહાર આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીના નામ

1) ઇંટોના ભઠ્ઠાનો માલિક ફતેઆલમખાન હુસેનઆલમખાન પઠાણ રહે, નવાયાર્ડ નજીક ફતેગંજ પોલીસ મથકની પાછળ વડોદરા

(ર) કડિયો મુન્ના મકરાણી રહે, ધનતેજ તા. સાવલી

મૃત્યુ પામનારા (૧) બબલીદેવી પ્રેમ પ્યારેલાલ જાટવ ઉ.વ.૨૯ (ર) ગીતાદેવી રામબાબુપ્રભુ જાટવ ઉ.વ. ૫૭

ઇજાગ્રસ્ત બનનારના નામ : (૧) રૂકમણી ચંદ્રપાલ પુરન જાટવ ઉ.વ.રપ (ર) પુરનદેવી સોહનલાલ જાટવ ઉ.વ. ૩૫

એન્જિનિયરીંગના નિયમોનુસાર પાણીની ટાંકી ન બનાવી સાવલી તાલુકાના પરથમપુરા (સામંતપુરા) ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં બનાવવામાં આવેલી પાણીની ટાંકી એન્જિનિયરીંગના નિયમોનુસાર ન બની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમજ લાયકાત ન ધરાવનાર મજુર અને કારીગર પાસે બનાવી હતી. આ ટાંકીમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવામાં આવતા ટાંકી તુટી ગઇ હતી.