Gujarat

વડોદરા: વાઘોડિયા રોડ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસોનો વધારો, મહિલાનું મોત

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
વડોદરા: વાઘોડિયા રોડ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસોનો વધારો, મહિલાનું મોત

વડોદરા, તા. 05 

વડોદરા શહેરમાં દિનપ્રતિદિન અલગ-અલગ રોગચાળાથી નિર્દોષ શહેરીજનો સપડાયા કરે છે. જેના કારણે તેઓએ શારીરિક, આર્થિક અને માનસિક નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે આ તમામ બાબતોથી માહિતગાર પાલિકાનું તંત્ર હજુ કોઈપણ ભોગે સુધારવાની તૈયારીમાં નથી. થોડા દિવસ પૂર્વે પાણીગેટમાં કોલેરાથી એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનાના માંડ એક પખવાડિયામાં હવે પૂર્વ વિસ્તારમાં ઝાડ ઉલ્ટીથી સંક્રમિત એક મહિલાનું સયાજી હોસ્પિટલમાં મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતો પાણીજન્ય રોગચાળો છેલ્લા કેટલાક દિવસોથી શિયાળામાં દેખાઈ રહ્યો છે. દિનપ્રતિદિન આ કેસમાં દર્દીઓનો ગ્રાફ વધતા રહેતા અનેક દર્દીઓ અને વિસ્તારોનો ઉમેરો થઈ રહ્યો છે. ઘણા લોકો પાણીજન્ય રોગની અસરના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ આને કારણે શહેરમાં વધુ એક મહિલા મોતના ખપ્પરમાં હોમાય છે. સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન આ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, વાઘોડિયા રોડના વૈકુંઠ નજીક આવેલ એક ફ્લેટમાં રહેતી 58 વર્ષીય મહિલા છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા ઊલટીની ફરિયાદના કારણે માંદી પડી હતી. તેની શારીરિક તબિયત લથડી ગયા બાદ તેને સયાજી હોસ્પિટલના એક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાનું તબીબી સારવાર મોત નીપજ્યું હતું. તબીબે જણાવ્યું હતું કે, ઝાડા, ઉલ્ટી અંતર્ગત દાખલ મહિલાના અલગ અલગ રિપોર્ટ પણ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન સયાજી હોસ્પિટલ ખાતે મહિલાનું મરણ થતા અસરગ્રસ્ત વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની શક્યતાઓ વધી ગઈ છે. તો બીજી તરફ પાલિકાના એન્જિનિયરિંગ વિભાગે પણ હવે વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠની આસપાસના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણીના સેમ્પલો લઈ તથા જરૂર જણાય ત્યાં સુવેઝનું કોન્ટામીનેશન થતું હોય તો તે તાત્કાલિક બંધ કરી લોકહિતના પગલા લે તે અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે પાણીગેટના હરીજનવાસ તથા જુનીગઢી વિસ્તારમાં પણ કોલેરા ખૂબ વ્યાપક પ્રમાણમાં વકર્યો હતો. તેની અસરમાં સપડાયેલા લોકોએ જમનાબાઈ તથા સયાજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જે પૈકી એક વૃદ્ધાનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજયું હતું. આ ઘટનાને હજુ પંદર દિવસ પણ થયા નથી ત્યાં શહેરમાં વધુ એક મહિલાએ કોલેરામાં દમ તોડયો છે.