Gujarat

વડોદરા: ઐતિહાસિક ઈમારતોની ચારે બાજુ ગેરકાયદે હોર્ડિંગ્સનો જમાવડો

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
વડોદરા: ઐતિહાસિક ઈમારતોની ચારે બાજુ ગેરકાયદે હોર્ડિંગ્સનો જમાવડો

વડોદરા,તા. 28 

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના જાહેર સ્થળો ઉપર હોર્ડિંગ્સ લગાવવા ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ, તેનો અમલ કરાવવામાં ધરાર નિષ્ફળ ગયું છે. વડોદરાની ઐતિહાસિક ઇમારતો, પ્રતિમાઓ દેખાય નહીં તે રીતે હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી કરવામાં ન આવતા વિશ્વામિત્રી બચાવો સમિતી દ્વારા હોર્ડિંગ્સ દૂર કરવા માંગણી કરવામાં આવી છે.

સ્માર્ટ સીટી વડોદરા હવે હોર્ડીગ સીટી બની ગયું હોય તેવું દેખાય છે. વડોદરા શહેરના નગરજનોના પરસેવાની કમાઈથી ભરેલા ઘરવેરાના નાણામાંથી બનાવેલ રોડ, રસ્તા, સર્કલને નુકશાન પહોચાડી શહેરમાં ઠેરઠેર, હોડિંગ બોર્ડ વગર પરવાનગીએ લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વપ્રસીધ્ધી પ્રેમીઓએ પોતાના મોટા ફોટા ધરાવતા હોડિંગ બોર્ડોથી ગાંધીજીની પ્રતિમા પણ દૂરથી દેખાય નહિ તેમ અંતરાયો ઉભા કરેલા છે.


આ ઉપરાંત વડોદરા શહેરના ગૌરવ સમાન ઐતિહાસિક ઈમારત ગણાતું જુના ન્યાયમંદિર બિલ્ડીંગ બાજુમાં પણ હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે. વડોદરાના ડીસ્ટ્રીકટ કલેકટર તેમજ મેજીસ્ટ્રેટની કચેરી બહાર પણ હોડિંગ લગાવી દેવામાં આવ્યા છે. આમ તો વડોદરા મહાનગરપાલિકાના રોડ, રસ્તા, ખોદીને ખાડા કરીને હોર્ડિંગના પાયા નાખેલા છે જે બાદમાં ખાડામાં પાણી ભરાઈ, વાહન વપરાશ થતા મોટા થઇને મોટા ગાબડા પડી રોડ તૂટી જાય છે. સર્કલની રેલીંગ, ઇલેક્ટ્રિક થાંભલા વિગેરે ને આધાર બનાવી આવા ગેરકાયદેસરના હોર્ડિંગ લગાવી ને માત્ર જાહેર સંપત્તિને નુકશાન જ નહિ પરંતુ વડોદરાની શોભા પણ બગાડાય છે.


વધુમાં જણાવ્યું છે કે, જી.ડી.સી.આર. ના નિયમોમાં સ્પષ્ટ જણાવેલું છે કે જાહેર જગ્યા, સર્કલ, સ્ટેચ્યુ, ઐતિહાસિક ઈમારતો, ચાર રસ્તા જંકશન પાસે કોઈ પણ પ્રકારના હોડિંગ બોર્ડ લાગવા નહિ.ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ કોઈપણ પ્રકારના રાજકીય પ્રોગ્રામ, સામાજિક કાર્યક્રમો વિગેરેના કોઈપણ સાઈઝના હોર્ડિંગ બોર્ડ જણાવેલી જગ્યાઓએ લગાવવા નહિ. આ બાબતે વડોદરા મહાનગરપાલિકાએ દરેક જંકશન ઉપર જાહેર સુચના આપતા બોર્ડ પણ મુકેલા હતા. વડોદરા શહેરને હોર્ડિંગ જંગલ ઉભું થતું રોકવા માટે વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત પણ આપેલ હતી છતાય કાયદાનું ઉલ્લંઘન થાય છે અને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય છે જેની નોધ લેશો.