Gujarat

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત

By GS TEAM
6 Jun 20261 min read
TukuTouch Logo
સ્વિમિંગ પૂલમાં બચાવકર્મીઓને તાલીમ, નદી અને તળાવમાં રેસ્ક્યુ બોટનું સફળ પરીક્ષણ

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત

Vadodara Fire Department : આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત પૂર, જળભરાવ તથા અન્ય કુદરતી આપત્તિઓ સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે માટે વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલ ખાતે બચાવકર્મીઓને વિશેષ તરણ તાલીમ, રિહર્સલ અને પ્રાયોગિક અભ્યાસ અપાઈ રહ્યો છે. આ તાલીમનો મુખ્ય હેતુ આપત્તિ સમયે બચાવકર્મીઓની ગતિ, કાર્યક્ષમતા અને ક્ષમતામાં વધારો કરવાનો છે.

વિભાગ દ્વારા આપત્તિજનક પરિસ્થિતિઓમાં ઉપયોગી તમામ રબર બોટ, ફાયર બોટ અને બચાવ નૌકાઓનું મહીસાગર નદી તથા સુરસાગર તળાવ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કટોકટી સમયે ઉપયોગી જનરેટર, ટ્રી કટર, ટેલિસ્કોપિક લાઈટ સહિતના વિવિધ રેસ્ક્યુ સાધનોની નિયમિત ચકાસણી કરીને તેમની કાર્યક્ષમતાની ખાતરી કરવામાં આવી છે.

શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે ત્વરિત સહાય પૂરી પાડી શકાય તે માટે કુલ 20 વિશેષ ફ્લડ રિસ્પોન્સ ટીમોની રચના કરવામાં આવી છે. તા.1 જૂન, 2026થી બદામડીબાગ ખાતે 24 કલાક કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિભાગ દ્વારા "ફ્લડ રિસ્પોન્સ પ્લાન-2026" તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓના સંપર્ક નંબરો, ઉપલબ્ધ સાધનસામગ્રીની વિગતો અને વિવિધ વિભાગોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.