'તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે', ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ, વડોદરાના ખેડૂતે જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baroda News : ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ અલગ-અલગ પ્રકારે ભોળા માણસો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયા પડાવી લેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. રોજબરોજ સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે વડોદરાના એક ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જેમાં આરોપીએ કરોડો રૂપિયાનું ફ્રોડ આચર્યુ હોવાનું કહેતા ખેડૂતે આપઘાત કરીને જીવન ટૂંકાવતા પરિવારમાં શોક છવાયો છે. ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ સામે આવ્યો છે, ત્યારે ડભોઈ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
'તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે...'
મળતી માહિતી મુજબ, વડોદરાના કાયાવરોહણમાં અતુલભાઈ હીરાભાઈ પટેલ(ઉં.વ.65)ને દિલ્હી ATSના નામે ફોન આવ્યો હતો. જેમાં આરોપીઓએ અતુલભાઈને તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ધમકાવ્યા હતા અને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખ્યા હતા. આરોપી દ્વારા ધમકાવતા અને સતત દબાણ કરતાં ગત 17 નવેમ્બરના રોજ અતુલભાઈએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ
સમગ્ર મામલે મૃતક ખેડૂતના પરિવારને શંકા જતાં તેમણે અતુલભાઈનો ફોન તપાસ્યો હતો. જેમાં દિલ્હીથી ATSના ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કરનાર વ્યક્તિ 40 કરોડના ફ્રોડની ધમકી આપતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડરના માર્યા ખેડૂતે આ પગલું ભર્યું હતું. ઘટના અંગે ડભોઈ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા
સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, 'સાયબર ઠગો અતુલભાઈને વારંવાર ફોન કરતાં હતા અને ફ્રોડ કર્યુ હોવાનું જણાવીને ધમકાવતા હતા. તેમજ દર 5 મિનિટે ફોન કરીને ઘરની બહાર ન નીકળવા ધમકી આપતા હતા. જેથી અંતે તેમણે આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.'









