Get The App

સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં પુત્રએ જ 65 વર્ષીય માતાને મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી ભોજન આપતા 1 - image


65 Year Old Mother Locked in House : હીરાનગરી સુરતમાં સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક ઘટના સામે આવી છે. વેલજા વિસ્તારમાં એક કળિયુગી પુત્રે પોતાની જન્મદાત્રી માતાને એક મહિના સુધી ઘરના પેસેજમાં કેદીની જેમ પૂરી રાખતા ચકચાર મચી જવા પામી છે. પાડોશીઓની સતર્કતા અને એક સેવાભાવી સંસ્થાની મદદથી વૃદ્ધ માતાને આખરે મુક્ત કરાવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

સુરતના વેલજા વિસ્તારમાં આવેલી શેરડીધામ સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં રહેતા અને હીરાના કારખાનામાં કામ કરતા યોગેશ નામના શખ્સે પોતાની 65 વર્ષીય માતા હેમલતાબેનને છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ઘરના પેસેજમાં લોક મારીને પૂરી રાખ્યા હતા. માતાની હાલત અત્યંત દયનીય હતી અને તેઓ નરક સમાન જીવન જીવવા મજબૂર બન્યા હતા.

આ પણ વાંચો: મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ

પાડોશીઓએ જાળીમાંથી ભોજન આપી માનવતા મહેકાવી 

જ્યારે આસપાસના પાડોશીઓને જાણ થઈ કે વૃદ્ધ માતાને ઘરમાં પૂરી રાખવામાં આવ્યા છે, ત્યારે તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પાડોશીઓ ઘરની ગ્રીલમાંથી હેમલતાબેનને ભોજન અને પાણી આપતા હતા, જેના સહારે વૃદ્ધા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

પોલીસ અને સંસ્થાએ કેદમાંથી મુક્ત કરાવ્યા

'વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ'ના ચેતનાબેન સાવલિયાને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને માતાને આ કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.

' પુત્ર કુપુત્ર થાય પણ માતા કદી  કુમાતા ન થાય' 

એક મહિના સુધી નરક જેવી યાતનાઓ સહન કર્યા પછી પણ માતાની મમતા ઓછી થઈ ન હતી. પોલીસ સ્ટેશનમાં પણ હેમલતાબેન પોતાના દીકરા યોગેશ અને વહુનો પક્ષ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ભલે દીકરો મને ભૂલી ગયો હોય, પણ હું તો મા છું, તેને માફ કરું છું.' આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

પુત્રનો લૂલો બચાવ અને હાલની વ્યવસ્થા પોલીસ પૂછપરછ દરમિયાન પુત્ર યોગેશ હાજર થયો હતો. તેણે પોતાના કૃત્યના બચાવમાં બહાનું આપ્યું હતું કે ઘર પર લોન હોવાથી અને આર્થિક ભીંસ વધી જવાને કારણે તે માતાને આ રીતે છોડીને ગયો હતો. જોકે, હાલમાં માનવતાના ધોરણે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેમલતાબેનને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટે 'શ્રી લોક સેવા ભાવના વૃદ્ધાશ્રમ'માં ખસેડવામાં આવ્યા છે.

Tags :