વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંચાયતોની ટિકિટ માટે દાવેદારોના ધસારાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી.કેટલાક ઉમેદવારો ફોર્મ આપ્યા વગર જ પાછા ફર્યા હતા.
ડભોઇ રોડ પર કપૂરાઇ ચોકડી પાસે આવેલા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે આજે બીજા દિવસે પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવા નિરીક્ષકો આવ્યા હતા.
આજે વાઘોડિયા તાલુકો,વાઘોડિયા નગર અને વડોદરા તાલુકામાં આવતી સીટો માટે દાવેદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.ધોમધખતો તાપ હોવા છતાં કાર્યાલયની બહાર મંડપની વ્યવસ્થા નહિ હોવાથી લોકો તાપમાં શેકાતા હતા.પાણીની વ્યવસ્થા હતી.પરંતુ જગ ખાલી થઇ ગયા હતા.મોડી રાત સુધી સેન્સની પ્રક્રિયા ચાલી હતી.
આવી જ રીતે ગરમીને કારણે કાર્યાલયની અંદર પણ ભારે ભીડ જામતાં બેસવાની પણ જગ્યા રહી નહતી.ભારે જમાવડો થતાં કેટલાક લોકો ફોર્મ આપ્યા વગર જ પરત ફર્યા હતા. કાર્યકરોનું કહેવું છે કે,સેન્સ પ્રક્રિયા અગાઉથી જાહેર હતી તો ભાજપના આગેવાનોએ વ્યવસ્થા કરવી જોઇતી હતી.
ચૂંટણીની જાહેરાત થવા છતાં કરજણ APMCમાં ભાજપે સેન્સ લીધા
વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કરજણ એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા કરાતાં વિવાદ સર્જાયો છે.
ચૂંટણીની જાહેરાત થતાં જ આચાર સંહિતાનો અમલ થતો હોય છે.પરંતુ જિલ્લા ભાજપ દ્વારા કરજણ એપીએમસીમાં બે દિવસ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે,એપીએમસીમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.જ્યારે સરકારી સહાય પણ લેવામાં આવતી હોય છે.જેથી આદર્શ આચાર સંહિતા ત્યાં પણ લાગુ થઇ શકે તેમ રાજકીય આગેવાનોનું માનવું છે.તો ભાજપ તરફી આગેવાનો કહે છે કે,આચાર સંહિતાનો પત્ર આવે તો જ તેનો અમલ કરવાનો રહે છે.


