Gujarat

વડોદરા DCB નું 1600 કિમી દૂર કાશ્મીરમાં ઓપરેશન,કાશ્મીરી વેશમાં પડાવ નાંખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલરને દબોચી લીધો

By GS TEAM
23 Jun 20262 mins read
વડોદરા DCB નું 1600 કિમી દૂર કાશ્મીરમાં ઓપરેશન,કાશ્મીરી વેશમાં પડાવ નાંખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલરને દબોચી લીધો

વડોદરાઃ ગુજરાતમાં ૧૦ કિલો ચરસ સપ્લાય કરવાના ગુનામાં સજા થયા બાદ પેરોલ પર છૂટી ૧૭ વર્ષ પહેલાં ફરાર થઇ ગયેલા કાશ્મીરના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ૧૬૦૦ થી વધુ કિમી દૂર કાશ્મીરના અંતરિયાળ ગામમાં ઓપરેશન પાર પાડયું છે.

આણંદ ખાતે વર્ષ-૨૦૦૩માં પોલીસે મહંમદ અસરફ ગુલાબમહંમદ લોન(ચીકીમણી વિસુ ગામ,તા.કોલગાંવજી,અનંતનાગ,જમ્મુ કાશ્મીર)ને એક સાગરીત સાથે ૧૦ કિલો ચરસના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.જે કેસમાં સસન્સ કોર્ટે આરોપીને ૧૦વર્ષની સખ્ત કેદ અને રૃ.એક લાખનો દંડ ફટકારી વડોદરા જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

ડ્રગ્સ પેડલર મહંમદ અસરફ લોનને તા.૩૦-૧૧-૨૦૦૯ના રોજ ૧૦ દિવસની પેરોલ પર છોડવામાં આવ્યો હતો.પરંતુ ત્યારબાદ તે હાજર જ થયો નહતો.જેથી તેને શોધવા વારંવાર પોલીસ તેના વતનમાં જતી હતી પણ પત્તો લાગતો નહતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ બીવી ગોહિલ અને ટીમ આરોપી પર સતત વોચ રાખતી હોવાથી આરોપી હાર્ડવેરની દુકાન ધરાવતો હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસની ટીમ એક સપ્તાહ પહેલાં ફરીથી કાશ્મીર રવાના થઇ હતી.પોલીસે કાશ્મીરી વેશમાં આરોપીના વતનમાં વોચ રાખી હતી અને માહિતી એકત્રિત કરી હતી.

આખરે બે દિવસ પહેલાં તેની દુકાન સુધી પોલીસ પહોંચી ગઇ હતી.આરોપીનો ચહેરો સાવ બદલાઇ ગયો હોવાથી પોલીસને ઘણી મુશ્કેલી પડી હતી.પરંતુ તેની પુરતી ખાતરી કર્યા બાદ દબોચી લઇ વડોદરા લાવી છે અને જેલને સોંપવા તજવીજ હાથ ધરી છે.

ડ્રગ્સ પેડલર હાર્ડવરની દુકાન ચલાવે છે અને ક્યારેક જ ઘેર આવે છે

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે ડ્રગ્સ પેડલર માટે ખૂબ જ ઓછી માહિતી હોવા છતાં તેના સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય ગામેતી,પીઆઇ ડીજે ચુડાસમા અને પીઆઇ આરએસ ગોહિલની ટીમ ૧૭ વર્ષથી ફરાર કાશ્મીરના ડ્રગ્સ પેડલરને પકડવા માટે સતત પ્રયત્નશિલ હતી અને આ માટે તેમણે બીજી એક ટીમ બનાવી પીએસઆઇ બીવી ગોહિલને જવાબદારી આપી હતી.

ખાસ ટીમ પાસે ડ્રગ્સ પેડલર માટે માત્ર એટલી જ માહિતી હતી કે તે કોઇ સ્થળે હાર્ડવેરની દુકાન ધરાવે છે અને જવલ્લેજ ઘેર આવે છે.જેથી પોલીસે બે થી ત્રણ વાર ધક્કા ખાઇ ત્યાં લોકલ સોર્સ ઉભા કર્યા હતા.છેલ્લા પાંચ દિવસથી પોલીસે સ્થાનિક વેશ ધારણ કરી ફરી વોચ રાખી હતી અને હાર્ડવેરની દુકાન શોધી કાઢી આરોપીને દબોચી લીધો હતો.

કાશ્મીર પોલીસે અગાઉ આરોપીને ભગાડી દીધો  હતો

વડોદરાના આરોપીને પકડવામાં કાશ્મીર પોલીસની ભૂમિકા ચર્ચામાં રહી છે.કાશ્મીર પોલીસે જોઇએ તેવો રસ લેતી નહિ હોવાની પણ માહિતી મળી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે,અગાઉ વડોદરા પોલીસ પહોંચી ત્યારે કાશ્મીર પોલીસના જ કોઇ જવાને બાતમી લીક કરી હતી અને આરોપીને  ભગાડી મૂક્યો હતો.