વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દારૂના નશામાં ધૂત પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે ઉશ્કેરાટમાં આવીને પત્નીએ નજીકમાં પડેલી ત્રિકમ ઉપાડીને નશામાં ચૂર પતિને મારી દેતાં કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
શું હતી ઘટના?
વડોદરાના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે. બોલાચાલી દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. ઝઘડામાં ભાન ભૂલેલી પત્ની મંજુએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો અમિતને મારી દીધો હતો. જેના બાદ લોહીલુહાણ હાલતમાં અમિત પત્નીની નજરો સામે જ મૃત્યુ પામી ગયો હતો.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
ઘટનાની જાણ થતાં સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા જયારે તપાસ કરવામાં આવી તો અમિતને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે પતિનું મોત જોઈને પત્ની મંજુ ભાંગી પડી હતી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









