વડોદરા: પ્રેમી સાથે લગ્ન બાદ પરણિતા પર મેલી વિદ્યા, સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

વડોદરા, તા. 24 ડિસેમ્બર
પ્રેમી સાથે લગ્નના બીજા દિવસે જ સાસરિયાઓએ પોત પ્રકાશતા પરિણીતાને અમાનુષી ત્રાસ વેઠવાનો વારો આવ્યો હતો. દહેજની માંગ અને અવારનવાર મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ મળતા પરણીતાએ પતિ ,સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, સાસરિયાઓ રવિવારે માથા ઉપરથી કાળુ કપડું, શ્રીફળ અને અડદના દાણા ફેરવી વિધિ કરતા હતા.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર રહેતી છાયાબેન (નામ બદલ્યું છે)ને વર્ષ 2016 દરમિયાન સોસાયટીમાં રહેતા ધવલ ગુણવંતભાઈ રાણપુરા સાથે પ્રેમ સંબંધ પાંગરતા સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના બીજા દિવસથી જ સાસરિયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પથારીવશ સસરાની સેવા ચાકરી પણ છાયાને કરવી પડતી હતી. જ્યારે જેઠાણી આરામ કરી મેણાટોણા મારતી હતી. છાયાબેન ભણેલા-ગણેલા હોવા છતાં તેમના પતિ જણાવતા હતા કે તારા સર્ટિફિકેટની કોઈ વેલ્યુ નથી તારે ટોયલેટ અને બાથરૂમ સાફ કરવાના છે. સાસરિયાઓ જમવા બાબતે પણ કચાસ રાખી થોડું થોડું જમતા હતા. જેથી છાયાબેનના શરીરમાં વિકનેસ આવી ગઈ હતી. આ ઉપરાંત રવિવારે છાયાબેનના માથા ઉપરથી કાળુ કપડું, શ્રીફળ અને અડદના દાણા ફેરવી ઉતારો કરતા હતા. સંતાનમાં માત્ર દીકરો હોવો જોઈએ તેવી આશાએ બેસેલા સાસરિયાઓએ દીકરી થતાં તેની ઉપર પણ ત્રાસ ગુજાર્યો હતો. સાસરિયાઓએ દહેજની માંગણી કરતા પિયરમાંથી સાત લાખ રૂપિયા લઇ આપ્યા હતા. તેમ છતાં તેમની દહેજની ભૂખ સંતોષાતી ન હતી. જેઠ પણ કેટલીકવાર હાથ ઉપાડી દેતો હતો.




