Gujarat

વડોદરા: સયાજી હોસ્પિટલમાં કોરોનની બીજી લહેરમાં 9142 દર્દીની સામે ત્રીજી લહેરમાં માત્ર 417 દર્દી દાખલ

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
વડોદરા: સયાજી હોસ્પિટલમાં કોરોનની બીજી લહેરમાં 9142 દર્દીની સામે ત્રીજી લહેરમાં માત્ર 417 દર્દી દાખલ

વડોદરા, તા. 07

ગત્ત વર્ષમાં આવેલી કોરોના વાયરસની બીજી લહેરનો સમયગાળો માર્ચ-21થી ઓગસ્ટ-21નો ગણીએ તો એ છ માસ દરમિયાન એસએસજી હોસ્પિટલમાં કોરોના વાયરસના કૂલ 9142 દર્દીઓને ઈનડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ગત્ત માર્ચ અને મે માસમાં કોરોના વાયરસનું સંક્રમણ ટોચ ઉપર હતું.

બીજી લહેરના છ માસના સરેરાશ ધ્યાને લેવામાં આવે તો પ્રતિ માસ 1524 દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી-22થી શરૂ થયેલી ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં માત્ર 417 દર્દીઓને દાખલ થવાની જરૂર પડી છે. ક્યાં સરેરાશ 1524 અને ક્યાં 417 ! આ રસીકરણનો જ પ્રતાપ છે.

બીજી લહેરના ઉક્ત છ માસ દરમિયાન એસએસજીમાં દાખલ કોરોના કૂલ દર્દીઓ પૈકી 31થી 40 વય જૂથના 1094, 41થી 50 વર્ષના 1699, 51થી 60 વર્ષના 2258, 61થી 70 વર્ષના 2021 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, દાખલ થયેલા દર્દીઓ પૈકી 47 ટકા દર્દીઓ 51થી 70 વર્ષની વય ધરાવતા હતા. તેની સાપેક્ષે માત્ર 40 બાળકોને કોરોના થયો હતો. આવા બાળકોમાં મહત્તમ નિયોનેટલ હતા.

એથી એવું માનવામાં આવતું હતું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થશે. પણ, અત્યારે ત્રીજી લહેર ચાલુ છે, પણ બાળકોને કોરોના થવાના કેસો ઓછા છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધુ પૂરવાર થઇ છે.

એએસજીના બાળરોગ વિભાગના અધ્યક્ષા ડો. શિલા અય્યરે જણાવ્યું કે, અમારે ત્યાં અત્યાર સુધીમાં કૂલ 8 કોરોનાના બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી 2 તો માત્ર 40 દિવસની આયુ ધરાવતા હતા. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત 15 ગર્ભવતી મહિલાઓની પ્રસુતી થયા બાદ ૯ બાળકોના ટેસ્ટ કરાતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. પણ, તેમાં કોઇ લક્ષણ જણાયા નહોતા. આ બાળકોને માતૃસંવેદનાથી સારવાર આપી કોરોનાથી મુક્ત કરવામાં આવ્યા છે.,

ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 417 દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી 196 પુરુષો અને 221 મહિલાઓ હતા. દાખલ થયેલા દર્દીઓમાં 17.51 ટકાની ઉંમર 61થી 70 વર્ષની હતી.