Gujarat

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ

By GS TEAM
15 Mar 20262 mins read
TukuTouch Logo
વડોદરાના છાણી વિસ્તારમાં બેફામ ગતિએ દોડતી કારે વધુ એક નિર્દોષનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. છાણી ટીપી 13 વિસ્તારમાં સ્પીડ બ્રેકર હોવા છતાં એક કારચાલકે બાઈક સવાર યુવકને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે યુવક હવામાં ફંગોળાઈને પટકાયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ

Vadodara Accident: વડોદરાના છાણી વિસ્તારમાં બેફામ ગતિએ દોડતી કારે વધુ એક નિર્દોષનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. છાણી ટીપી 13 વિસ્તારમાં સ્પીડ બ્રેકર હોવા છતાં એક કારચાલકે બાઈક સવાર યુવકને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે યુવક હવામાં ફંગોળાઈને  પટકાયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

સ્પીડ બ્રેકર હોવા છતાં કારની ગતિ ઓછી ન કરી

મળતી માહિતી અનુસાર, 12મી માર્ચના રોજ સાંજના સમયે જ્યારે એક યુવક પોતાના બાઈક પર છાણી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે એક કાર આવી હતી. રોડ પર સ્પીડ બ્રેકર હોવા છતાં કારચાલકે બ્રેક મારવાને બદલે બાઈકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ કણસવા લાગ્યો હતો, જ્યારે તેનું બાઈક ઘસડાતું દૂર જઈને પડ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો

માનવતા નેવે મૂકી કારચાલક ફરાર

અકસ્માત સર્જાયા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકની મદદ કરવાને બદલે કારચાલકે માનવતા નેવે મૂકી હતી. યુવકને રસ્તા પર કણસતો જોઈ કારચાલકે સ્થળ પર જ ગાડી વળાવી હતી અને પૂરપાટ ઝડપે કાર હંકારીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક એકત્ર થઈ ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસે અકસ્માત સ્થળના CCTV ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. ફૂટેજમાં કારચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી, નંબર પ્લેટના આધારે તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.