વડોદરા: માણેજા સિમેન્સ કંપનીમાં 80 કર્મચારી કોરોના સંક્રમિત

વડોદરા, તા. 20
વડોદરા શહેરમાં કોરોનાનો થર્ડ વેવ પીક પર આવવાની તૈયારીમાં છે ત્યારે અનેક કંપનીઓ, કોલેજો, શાળામાં કોરોના દસ્તક દઇ ચૂકી છે. ત્યારે માણેજા ખાતે આવેલ સિમેન્સ કંપનીમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં કામ કરતા અંદાજે 80 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવતા સન્નાટો વ્યાપી ગયો છે.
શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ એકધાર્યા રોકેટ ગતિએ વધી રહ્યા છે. અનેક ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કર્મચારીઓ પણ સંક્રમિત થવા લાગ્યા છે. મોટાભાગની તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આમાંથી બાકાત રહી નથી. આ વચ્ચે માણેજામાં આવેલ સિમેન્સ કંપનીમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો છે. અહીં કામ કરતા કેટલાક કર્મચારીઓમાં છેલ્લા થોડા દિવસોથી શરદી, ખાંસી, તાવ વગેરે જેવી ફરિયાદો ઊભી થઈ હતી. જે બાદ તે પૈકી કેટલાકનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવતા તેમના ટેસ્ટના પરિણામ પોઝિટિવ આવ્યા છે. જે બાદ તેના થોડા દિવસ બાદ કંપનીના વધુ કર્મચારીઓએ પણ પોતાને શારીરિક તકલીફ ઉભી થઇ હોવાની રજૂઆતો કંપનીના સત્તાવાળાઓ સમક્ષ કરી હતી. દરમિયાન એક પછી એક અનેક કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યા હતા. જાણવા મળ્યા મુજબ હાલ કંપનીના 80 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણમાં આવી ગયા છે. જે પૈકી મોટાભાગના હોમ ક્વોરોન્ટાઈ કરવામાં આવ્યા છે. જોકે તમામ કર્મચારીઓની શારીરિક સ્થિતિ કેવી છે? તે અંગે હજુ કોઇ ચોક્કસ વિગતો કંપની તરફથી જાણવા મળી નથી.




