Gujarat

વડોદરા: ચોલામંડલમ ફાઈનાન્સ સાથે 7.70કરોડ ઠગાઈ: કર્મચારીઓ સહિત 22 સામે ફરિયાદ

By GS Team
2 Mar 20224 mins read
This article was originally published on 2 Mar 2022
વડોદરા: ચોલામંડલમ ફાઈનાન્સ સાથે 7.70કરોડ ઠગાઈ: કર્મચારીઓ સહિત 22 સામે ફરિયાદ

વડોદરા, તા. 02

લોનની જરૂરિયાતવાળા બોગસ ગ્રાહકો ઉભા કરી મિલકતના બોગસ વેલ્યુએશન રિપોર્ટ થકી 07.70 કરોડ ઉપરાંતની લોન મેળવી ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી આચરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે કંપનીના કર્મચારી સહિત 22 શખ્સો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે ,ગોત્રી પીઆઇ તથા પોલીસ કમિશનરે ફરિયાદ રજીસ્ટર ન કરતા આખરે અદાલતે ફરિયાદ રજીસ્ટર કરવા હુકમ કરતા પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ચોલામંડલમ ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમીટેડના  અધિકારી મેહુલ કેવડીયાએ અદાલત મારફતે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની કંપની ફ્રેન્ચાઇઝી  આરસી દત્ત રોડ ઉપર સેન્ટર પોઇન્ટ ખાતે આવેલી છે. જેઓ ગ્રાહકોને લોન તથા ધિરાણ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. આરોપીઓએ ભેગા મળી કાવતરું રચી ખોટા ગ્રાહકો ઉભા કરી લો પ્રોફાઈલ વાળી મિલકતની વેલ્યુએશન ઊંચી બતાવી કંપની માંથી લોન મેળવી અમુક લોનની રકમ બિલ્ડરના ખાતામાં જમા કરી બાકીની રકમ ફ્રીલાન્સર એડિશનલ વર્ક કોન્ટ્રાક્ટરના ખાતામાં જમા કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આરોપીઓ પૈકી નિતીન રાજપૂત ( દર્શનમ ઉપવન, બાપોદ ), આકાશ શાહ ( વોર્ડ ઓફિસની ગલી, પાણીગેટ), કમલેશ ગુપ્તા , આકાશ કુલવાણી ( બન્ને રહે -સંવાદ વસાહત, હરણી રોડ) કંપનીની કામગીરી સાથે સંકળાયેલા હોય લોન પાસ કરવા અંગેની તમામ માહિતી તેઓની પાસે હતી. તેમજ શ્રી ખોડીયાર ફાઇનાન્સ કન્સલ્ટન્સી (વડોદરા શહેર), સન્ની ઠક્કર (અયોધ્યા નગર ,ગોત્રી) સંદીપ તિલક, યોગેશ પટેલ , અમિત શર્મા , અશોક ઠક્કર કલ્પના વસાવા ભરત જયસ્વાલ , ધમલ ધામેજાની, પ્રકાશ માલી, સ્મિતા રાણા, અમિત પુવાર ,કિશન ઇન્કા ,રવિકુમાર પરમાર, દિપીકાબેન વણકર ,જયેશભાઇ પરમાર તમામ ( રહે - વડોદરા શહેર ) ફ્રીલાન્સર એડિશનલ વર્ક કોન્ટ્રાક્ટર છે. તેઓ મિલકતમાં એડિશનલ વર્ક કરતા હોય જેથી એડિશનલ વર્કના એસ્ટીમેન્ટ વાળી રકમ તેમના ખાતામાં કંપની જમા કરાવતી હોય છે. જ્યારે ધર્મશ કલાથીયા ( રહે - પોપ્યુલર સેન્ટર, અમદાવાદ) , ધર્મ બી શાહ રહે ( ઉમા દર્શક આર્કડ, નવસારી) વેલ્યુઅર છે. તેઓ જે મિલકત ઉપર લોન ફાળવવાની હોય તેનો વેલ્યુએશન રિપોર્ટ આપતા હતા. આમ તમામ આરોપીઓ કંપનીની કામગીરીથી વાકેફ હોય કૌભાંડ આચરવા સુનિયોજિત કાવતરું રચી કરોડો રૂપિયાની ઠગાઇ આચરી છે.

બોગસ ગ્રાહકો અને વેલ્યુએશન રિપોર્ટ થકી આરોપીઓએ 07.70 કરોડની લોન મેળવી હતી. જે મિલકત ઉપર કંપનીએ મોર્ગેજ લોન પાસ કરી હતી. જે વ્યક્તિના નામે લોન પાસ કરી તે વ્યક્તિએ લોનની રકમ ના હપ્તા ભર્યા ન હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ફૂટપાથ ઉપર પથારો લગાવતા અને લારી ધારકો જેવી વ્યક્તિઓના નામે લોન પાસ થઈ છે. લોન ધારકોને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ,અમે તો પર્સનલ લોન મેળવી છે કોઈ મિલકત વેચાણ રાખી નથી.

કંપનીના કર્મચારીઓએ આ રીતે આચર્યું કૌભાંડ

શ્રી ખોડીયાર ફાઇનાન્સ કન્સલ્ટન્સી ,સન્ની ઠક્કર , સંદીપ તિલક, યોગેશ પટેલ , અમિત શર્મા , અશોક ઠક્કર કલ્પના વસાવા ભરત જયસ્વાલ , ધમલ ધામેજાની, પ્રકાશ માલી, સ્મિતા રાણા, અમિત પુવાર ,કિશન ઇન્કા ,રવિકુમાર પરમાર, દિપીકાબેન વણકર અને જયેશભાઇ પરમાર  ફ્રીલાન્સર એડિશનલ વર્ક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય લોનની જરૂરિયાતવાળા ગ્રાહકોને ઉભા કરી કેવાયસી ડોક્યુમેન્ટ કંપનીમાં જમા કરાવી તેઓ મિલકત વેચાણ રાખવા માંગે છે. અને તે મિલકત ઉપર લોનની જરૂરિયાત જણાવી વેલ્યુએશનની કામગીરી ધર્મશ કલાથીયા અને ધર્મ બી શાહએ કરી હતી. જે વિસ્તારમાં પ્રોપર્ટીની વેલ્યુએશન ના હોય તેવી પ્રોપર્ટી શોધી ઊંચા વેલ્યુએશન રિપોર્ટ બનાવી ગ્રાહકોના બોગસ દસ્તાવેજો કંપનીમાં જમા કરાવી કંપની પાસેથી રૂ. 07,70,66,800ની લોન મેળવી હતી.

ગોત્રી પીઆઇ તથા પોલીસ કમિશનરે ફરિયાદ ન નોંધતા આખરે અદાલતના શરણે

કરોડો રૂપિયાના કૌભાંડ અંગેની જાણ થતાં કંપની દ્વારા ગોત્રી પોલીસ મથકના પીઆઈ ને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ત્યાર બાદ નિવેદન નોંધાવી જરૂરી દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમ છતાં તપાસ અધિકારી દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ન હતો. તેમજ ફરિયાદના સંદર્ભમાં કોઇ તપાસ પણ કરી ન હતી. જેથી કંપની દ્વારા પોલીસ કમિશનરને પણ  રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ ફરિયાદના અનુસંધાને કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. અવનવા બહાના બતાવી ફરિયાદ કરવાનું ટાળતાં પોલીસ કર્મચારીઓથી કંટાળી કંપનીના કર્મચારીઓએ આખરે અદાલતનો દ્વાર ખટખટાવ્યા હતો. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 154 ની જોગવાઈ જોગવાઈ હોવા છતાં કોગ્નિઝેબલ ગુનો જાહેર કરતી ફરિયાદ રજીસ્ટરએ લેવા બંધાયેલા હોવા છતાં આજદિન સુધી રજીસ્ટર લીધી નથી .