'મારે ભણવું નથી..' ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadaodar News : મારે ભણવું નથી, તમારી જોડે રહેવું નથી, હું મારી મરજીથી જઉં છું, તેવું ચિઠ્ઠીમાં લખીને જતી રહેલી 14 વર્ષની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી લઇ જનાર આરોપી તેને ભિલોડા પોલીસ સ્ટેશનમાં મૂકીને જતો રહ્યો હતો. મકરપુરા પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ધો. 8માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિની ગત 20મી તારીખે ઘર છોડીને જતી રહી હતી. ઘર છોડીને જતા પહેલા તેણે એક ચિઠ્ઠી લખીને મૂકી હતી. તેમાં લખ્યું હતું કે, મારે નથી ભણવું, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો. મને ભણવામાં રસ નથી, હું મારી મરજીથી જઉં છું. મારે તમારી જોડે રહેવું નથી. હું એકલી રહીશ.
પરિવારે શોધખોળ કરવા છતાંય કિશોરી મળી નહીં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ કિશોરી ભિલોડા પોલીસ સ્ટેશમાંથી મળી આવી હતી. પોલીસે તેને પૂછતા જણાવ્યું હતું કે, આરોપી મયૂર અળખાભાઇ કટારા, ઉં.વ.19 (રહે. જેસીંગપુર ગામ, તા.ભિલોડા, જિ.અરવલ્લી) મને ટ્રકમાં શામળાજી લઇ ગયો હતો. ત્યાંથી તે મને તેના વતન લઇ ગયો હતો. ત્યારબાદ તે કિશોરીને ભિલોડા પોલીસ સ્ટેશન મૂકીને જતો રહ્યો હતો. પોલીસે મૂળ ફરિયાદમાં પોક્સો અને બળત્કારની કલમનો ઉમેરો કર્યો છે. ત્યારબાદ મકરપુરા પોલીસે ટેકનિકલ સોર્સ થકી આરોપી મયૂરને ઝડપી પાડયો છે.








