Gujarat

અમેરિકા જવા માટે યુવતીએ લગ્ન કર્યા પણ પતિએ ન મોકલતા ફરિયાદ નોંધાઇ

By GS Team
10 Aug 20252 mins read
This article was originally published on 10 Aug 2025
અમેરિકા જવા માટે યુવતીએ લગ્ન કર્યા  પણ પતિએ ન મોકલતા ફરિયાદ નોંધાઇ

અમદાવાદ,રવિવાર

શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીના બીજા લગ્ન  મહેસાણાના ગોઝારિયામાં થયા હતા. લગ્ન પહેલા પતિએ યુવતીની નવ વર્ષની દીકરીને દત્તક લેવાની સાથે બંનેને અમેરિકા મોકલવાની ખાતરી આપી હતી. પરંતુ, વિઝા સહિતની પ્રોસેસનો ખર્ચ એક કરોડ ઉપરાંતનો થતો હોવાથી સાસરિયાઓએ  ૪૦ લાખ રૂપિયા યુવતીના ભાઇ પાસેથી માંગ્યા હતા. જે બાબતને લઇને થતા ઝઘડાને પગલે યુવતીએ સાસરિયાઓ વિરૂદ્ધ વાડજ પોલીસ મથકે નોંધાવી હતી.

શહેરના નવા વાડજમાં રહેતી  ૩૨ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના લગ્ન વર્ષ ૨૦૧૬માં આનંદનગરમાં રહેતા એક યુવક સાથે થયા હતા. પરંતુ, મનમેળ ન રહેતા વર્ષ ૨૦૨૨માં છુટાછેડા થયા હતા.  થોડા મહિના બાદ યુવતીના ભાઇના પરિચીત વ્યક્તિએ  મહેસાણાના ગોઝારિયામાં રહેતા દેવાંગ નામના યુવક સાથે લગ્ન માટે વાત કરી હતી. તેણે ખાતરી આપી હતી કે તે નવ વર્ષની દીકરીને દત્તક લેશે અને લગ્ન બાદ યુવતી અને દીકરીને અમેરિકા મોકલશે. જેથી યુવતીએ લગ્ન કર્યા હતા. પરંતુ, અમેરિકા જવા માટે એજન્ટે ૧.૧૦ કરોડ રૂપિયાનું કહેતા સાસરિયાઓએ તેમની પાસે વધારે રકમ ન હોવાનું કહ્યું હતું.  જો કે ૭૦ લાખ તેમના દ્વારા સેટ થઇ શકે તેમ હોવાથી બાકીના ૪૦ લાખ યુવતીને તેના ભાઇ પાસેથી લેવાનું કહ્યું હતું. પરંતુ, યુવતીના ભાઇ પાસે નાણાં ન હોવાથી તે અમેરિકા જઇ શકે તે નહોતી. આ બાબતને લઇને યુવતીને તેના સાસરિયાઓ સાથે તકરાર  થતી હતી. જેમાં મામલો વધારે બીચકતા યુવતીએ પિયરમાં આવીને તેના સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  જે હાલ ચર્ચાનો વિષય બની છે.