Gujarat

ઉત્તરાયણની ઉજવણી : નડિયાદમાં યુવકે દારૂની બોટલ સાથે ધાબા પર ડાન્સ કર્યો

By GS TEAM
17 Jan 20262 mins read
ઉત્તરાયણની ઉજવણી : નડિયાદમાં યુવકે દારૂની બોટલ સાથે ધાબા પર ડાન્સ કર્યો

- વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર દોડતું થયું 

- ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો થતા તંત્ર સામે સવાલ : યુવકની અટકાયત કરાઈ

નડિયાદ : નડિયાદમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી હતી. શહેરના કપડવંજ રોડ પર આવેલા એક રહેણાંક વિસ્તારમાં ધાબા પર હાથમાં દારૂની બોટલ લઈને બેફામ નાચતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસ સુધી પહોંચતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં યુવકની ઓળખ કરી તેની અટકાયત કરી હતી. 

ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા. ત્યારે નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા જલારામ નગર વિસ્તારમાં એક મકાનના ધાબા પર એક યુવક હાથમાં વિદેશી દારૂ જેવી દેખાતી બોટલ લઈને ફિલ્મી ગીતોના તાલે ઝૂમી રહ્યો હતો. આસપાસ મહિલાઓ અને બાળકોની હાજરી હોવા છતાં આ શખ્સ જાહેરમાં શાનભાન ભૂલીને બોટલનું પ્રદર્શન કરી રહ્યો હતો. કોઈ નાગરિકે આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું અને સોશિયલ મીડિયા પર વહેતું કર્યું હતું. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ હતી. 

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો કેવી રીતે યોજાઈ શકે તેવા સવાલો ઉભા થયા હતા. આ બાબત નડિયાદ રૂરલ પોલીસના ધ્યાને આવતા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, વીડિયોમાં દેખાતો યુવક મંજીપુરા વિસ્તારના આદિત્યનગર ફાટક પાસે રહેતો હર્ષ સોલંકી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હર્ષ સોલંકીની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશન લાવીને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને જાહેરમાં ગેરવર્તણૂક કરવા બદલ તેની પાસે માફી મંગાવવામાં આવી હતી.