Gujarat

અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા, વોર્ડબોય,આયાની ૨૮૮ જગ્યા ભરવા ૧૬ કરોડ ખર્ચ કરાશે

By GS TEAM
31 Aug 20252 mins read
અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં  પટાવાળા, વોર્ડબોય,આયાની ૨૮૮ જગ્યા ભરવા ૧૬ કરોડ ખર્ચ કરાશે

અમદાવાદ,શનિવાર,30 ઓગસ્ટ,2025

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૯૦ અર્બન તથા ૧૨ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે.જેમાં પટાવાળા,વોર્ડબોય, આયા અને મેતરાણીની ૨૮૮ જગ્યા આઉટસોર્સિંગથી ભરાશે. રાજયના આરોગ્ય વિભાગની ગ્રાન્ટમાંથી રુપિયા ૧૬ કરોડના ખર્ચે બે વર્ષ માટે આ સ્ટાફની સેવા લેવાશે. આઉટ સોર્સિંગથી સ્ટાફ મેળવવા અર્બન હેલ્થ સોસાયટીએ પ્રક્રીયા કરતા આઠ એજન્સી લોએસ્ટ વન આવી હતી.એનો નિષ્કર્ષ એ છે કે, એજન્સીઓએ મેનપાવર પુરો પાડવા રીંગ કરી કામ મેળવ્યુ છે.નોંધનીય બાબત એ છે કે આઠ પૈકીની ત્રણ એજન્સીઓને અગાઉ મેનપાવર પુરો પાડવા કોન્ટ્રાકટ અપાયો હતો.તમામ એજન્સીઓએ મિનીમમ મંથલી સર્વિસ ચાર્જ રુપિયા ૭૨૯ જેટલો  ભર્યો હતો.ત્રણ એજન્સીઓને ચિઠ્ઠી ઉછાળીને કામ અપાયુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટાભાગની જગ્યા ઉપર સીધી ભરતી કરવાના બદલે આઉટ સોર્સિંગથી મેનપાવર પુરો પાડતી એજન્સીઓ પાસેથી જુદી જુદી જગ્યા કરાર આધારીત ભરતીથી ભરવામાં આવે છે. કોર્પોરેશનના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૧ એપ્રિલ-૨૪થી ૩૧ સપ્ટેમ્બર-૨૫ સુધીના સમય માટે મારૃતિ ટ્રાવેલ્સને ૫૦ ટકા, સૌમ્યા એન્ટરપ્રાઈઝને ૨૫ ટકા અને ડી.આર.એન્ટરપ્રાઈઝને ૨૫ ટકા મુજબ વર્ક ઓર્ડર અપાયો હતો.આ મુદત પુરી થતી હોવાથી વધુ બે વર્ષ માટે આઉટ સોર્સિંગથી સ્ટાફની ભરતી કરવા પ્રક્રીયા કરાઈ હતી.દૈનિક લઘુત્તમ વેતન રુપિયા૪૮૭  પણ તમામ એજન્સીઓએ એક સરખી કિંમતથી ભર્યુ હતુ.એ મુજબ જોતા એક એજન્સી પાસેથી ૩૬ નો સ્ટાફ કોર્પોરેશન બે વર્ષ માટે મેળવશે.રજાના લાભ સાથે એજન્સી પ્રતિ કર્મચારી મહીને રુપિયા ૧૮૯૨૩ રૃપિયા ચૂકવશે.અલ્ટ્રા મોર્ડન એજન્સી, કલીન ઈન્ડિયા તથા શાશ્વત સાફલ્ય પ્રા.લિ.ને ચિઠ્ઠી ઉછાળીને કામગીરી આપવા નિર્ણય કરાયો હતો.કોર્પોરેશનના ઈતિહાસમાં આ બીજી વખત ચિઠ્ઠી ઉછાળીને વર્ગ-ચારના સ્ટાફની આઉટ  સોર્સિંગથી ભરતી કરવામાં આવી છે.જે બાબત મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

કઈ-કઈ એજન્સીને વર્ક ઓર્ડર અપાયો

કલીન ઈન્ડિયા, ડી.આર.એન્ટરપ્રાઈઝ, એથોસ એચ.આર.મેનેજમેન્ટ પ્રા.લિ.,કુમાર એજયુકેશન સોસાયટી, સૌમ્યા એન્ટરપ્રાઈઝ, શાશ્વત સાફલ્ય પ્રા.લિ., મારૃતિ ટ્રાવેલ્સ અને અલ્ટ્રા મોર્ડન એજન્સી