24 કલાકમાં 31 જિલ્લામાં કમોસમી વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માંડ પોરો ખાધો હતો, ત્યાં મંગળવારથી મેઘરાજાએ ફરી રિ-એન્ટ્રી કરી છે. રાજ્યમાં ગઈકાલથી જ વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. જોકે, બુધવારે પણ વહેલી સવારથી જ ભરુચના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
ભરુચમાં વરસ્યો વરસાદ
ભરુચમાં કાળા ડિબાંગ વાદળ સાથે વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં ભરુચમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના ઉમવાડા રેલ્વે અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા.
છેલ્લાં 24 કલાકમાં 31 તાલુકામાં ખાબક્યો વરસાદ
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં માત્ર બે કલાકમાં જ ખાબક્યો છે. જોકે, જૂનાગઢ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય મંગળવારે સાંજે અમરેલીના વડીયા સહિત સમગ્ર પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વડીયાના ઠુંઢિયા પીપળીયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદનું શું છે કારણ?
નોંધનીય છે કે, સંભવિત વાવાઝોડાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે. કર્ણાટકના દરિયાકાંઠે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે, જેના કારણે બેંગલુરુ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આ સિસ્ટમનો હજુ લો-પ્રેશર એરિયા બન્યો નથી. જ્યાં સુધી તે ડિપ્રેશન નહીં બને ત્યાં સુધી તેની દિશા નક્કી કરી શકાશે નહીં.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે (21 મે) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.